અનરાધાર વરસાદ વચ્ચે સરપંચ અને ગામના યુવાનોની સમયસૂચકતાએ ૨૫ દિવસની બાળકી સહિત માતાને સુરક્ષિત સ્થળે પહોંચાડી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં તાજેતરમાં પડેલા અભૂતપૂર્વ અને અનરાધાર વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવનને ભારે અસર પહોંચાડી હતી. ખાસ કરીને ઉમરગામ તાલુકાના અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાતા માર્ગો બંધ થઈ ગયા હતા અને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. વહીવટી તંત્ર સતત રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત હોવા છતાં અનેક સ્થળોએ સ્થાનિક લોકોના સહકાર અને સમયસૂચકતા આશાનું કિરણ બની ઊભા રહ્યા હતા.
ઉમરગામ તાલુકાના કરમબેલી ગામમાં પણ પૂરના પાણી મોટાભાગના ઘરોમાં ઘૂસી જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. આ દરમિયાન પોતાના પિયરમાં આવેલી મયુરીબેન મિલનભાઈ ધોડી અને તેમની માત્ર ૨૫ દિવસની બાળકી કિશ્વી પણ ઘરમાં જ ફસાઈ ગયા હતા. ચારેબાજુ પાણી ભરાઈ જતાં બહાર નીકળવાનો કોઈ સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ રહ્યો નહોતો.
આવી કપરી પરિસ્થિતિની જાણ થતાં કરમબેલી ગામના સરપંચ શ્રી કૌશલભાઈએ ગામના યુવાનો સાથે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘરોમાં ગળાડૂબ પાણી હોવાથી નવજાત બાળકીને હાથમાં લઈને બહાર લાવવું જોખમી હતું. ત્યારે ગામના યુવાનોની સૂઝબૂઝ અને સંવેદનશીલતાથી બાળકીને પ્લાસ્ટિકના ટબમાં સુરક્ષિત રીતે સુવડાવવામાં આવી અને વરસાદથી રક્ષણ મળે તે માટે છત્રીની ઓટ આપીને પૂરના પાણીમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.
આ દૃશ્યે જાણે ભગવાન શ્રીકૃષ્ણના બાળપણની યાદ તાજી કરી દીધી હોય તેમ, યશોદાના નંદલાલને ટોપલીમાં લઈ જતા વાસુદેવની ભાવના જીવંત કરી હતી. બાળકીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા બાદ માતા મયુરીબેનને પણ ટ્યુબના સહારે બચાવીને નજીકના ઊંચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. ગામના યુવાનોની હિંમત, સંકલન અને સેવાભાવથી માતા અને બાળકી બંને સુરક્ષિત બન્યા હતા.
કુદરતી આપત્તિના સમયમાં કરમબેલી ગામે દર્શાવેલી એકતા, માનવતા અને જવાબદારીની ભાવના સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. સરપંચ શ્રી કૌશલભાઈ તથા ગામના યુવાનોએ આપત્તિને માત્ર પડકાર તરીકે નહીં, પરંતુ લોકસેવાની તક તરીકે સ્વીકારી જીવ બચાવવાનું પ્રશસ્તિપાત્ર કાર્ય કર્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!