ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી હતી. અવિરત ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે નદીઓ ગાંડીતૂર બનતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ખાસ કરીને ઉમરગામ તાલુકામાં આભ ફાટ્યા જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. વહીવટી તંત્ર અને બચાવ દળોને પણ બંધ રસ્તાઓ તેમજ ભૌગોલિક અને ખરાબ હવામાનના કારણે પહોંચવામાં મુશ્કેલી પડી હતી. ત્યાં માનવતા અને સાહસનું એક એવું અદ્ભુત ઉદાહરણ સામે આવ્યું છે, જે નિરાશાના ઘનઘોર વાદળો વચ્ચે આશાનું સૂર્યકિરણ બનીને આવ્યા એકલારા ગામના પાંચ યુવાનો જેઓ ૨૬ લોકો માટે દેવદુત બન્યા.
ઉમરગામ તાલુકાના એકલારા ગામના ભગત ફળિયામાં પ્રકૃતિએ સર્જેલી આ હોનારતનો સૌથી ભયાનક ચહેરો જોવા મળ્યો. રાત્રે ૧ વાગ્યાના સુમારે જ્યારે લોકો ગાઢ નિંદ્રામાં હતા, ત્યારે અચાનક જ પૂરના ધસમસતા પાણી ઘૂસી આવ્યા હતા. જોતજોતામાં જળસ્તર એટલું ઝડપથી વધ્યું કે બે ઘરો સંપૂર્ણપણે ડૂબી ગયા હતા.
જીવ બચાવવા માટે ત્રણ પરિવારોના કુલ ૨૬ સભ્યોએ એક ઘરની પતરાવાળી નબળી છત પર આશરો લીધો. આ ૨૬ લોકોમાં માસૂમ બાળકો, અશક્ત વૃદ્ધો અને મહિલાઓ પણ સામેલ હતા. સમગ્ર જિલ્લામાં પૂરની કપરી પરિસ્થિતિ હોવાથી સંપર્ક તૂટી ગયો હતો. વરસાદની થપાટો અને નીચે ધસમસતા પૂરના ભય વચ્ચે આ ૨૬ જીવોએ કાળમીંઢ અંધારામાં આખી રાત મોતની છાયામાં વિતાવી હતી.
પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ, ત્યારે ફળિયાના પાંચ સાહસિક યુવાનો સંકટમોચન બનીને આગળ આવ્યા. ત્યારે આ રિયલ લાઈફ હીરોઝ ૧. વિજય વારલી, ૨. રાહુલ હળપતિ, ૩. પંકેશ હળપતિ, ૪. જીગ્નેશ વારલી અને ૫. સચિન હળપતિએ પોતાની જિંદગીનો મોહ ભલભલાને ડરાવી દે છે, ત્યારે આ પાંચ યુવાનોએ પોતાની પરવા કર્યા વિના મોતની આંખમાં આંખ મિલાવવાનું નક્કી કર્યું. આ યુવાનો પાસે કોઈ આધુનિક રેસ્ક્યુ બોટ કે લાઈફ જેકેટ ન હતા, પરંતુ તેમની પાસે અદમ્ય સાહસ અને હૈયામાં માનવતાનો જુસ્સો હતો. માત્ર દોરડા અને ટાયરની ટ્યુબના સહારે તેઓ ધસમસતા પૂરમાં કૂદી પડ્યા. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કોઈ પણ સામાન્ય માણસ ત્યાં જતાં જ ડરી જાય.

આ યુવાનોએ એક બુદ્ધિપૂર્વકની રણનીતિ અપનાવી. નજીકમાં આવેલા એક પાકા મકાનની છત પરથી દોરડું બાંધીને આ યુવાનો પતરાવાળા મકાન સુધી જીવના જોખમે તરીને પહોંચ્યા. ત્યારબાદ ટ્યુબની મદદથી વારાફરતી બાળકો, વૃદ્ધો અને મહિલાઓને અત્યંત સાવચેતીપૂર્વક પહેલા પાકા મકાનની છત સુધી લાવવામાં આવ્યા. આટલેથી જ આ મહાસંઘર્ષ પૂરો નહોતો થયો, ત્યારબાદ ગળાડૂબ પાણીમાં દોરડું અને ટ્યુબ પકડીને, માનવ સાંકળ રચીને આ તમામ ૨૬ લોકોને પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચેથી અડધો કિલોમીટર દૂર સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા.

જ્યારે કોઈ અત્યંત કપરી અને અણધારી પરિસ્થિતિમાં ફસાઈ જાય છે ત્યારે સ્થાનિક લોકોની હિંમત અને એકતા જ સૌથી મોટો સહારો બને છે. વિજય, રાહુલ, પંકેશ, જીગ્નેશ અને સચિને કરેલું આ કાર્ય માત્ર એક રેસ્ક્યુ ઓપરેશન નથી, પરંતુ આપત્તિ વ્યવસ્થાપન અને સામુદાયિક એકતાની એક મિશાલ કાયમ કરી છે.
