ગુજરાત એલર્ટ | વલસાડ
છેલ્લા કેટલાક દિવસોમાં વલસાડ જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદને પગલે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળના કુલ ૪૪૬ માર્ગો વિવિધ કારણોસર અસરગ્રસ્ત બન્યા હતા. જેમકે, ભૂસ્ખલન, માર્ગ ઉપર પાણી ફરી વળવું, પુલ ઉપરથી પાણી પસાર થવું, એપ્રોચ ધોવાઈ જવા, માળખાકીય નુકસાન તેમજ માર્ગની સપાટી ધોવાઈ જવાના કારણે અનેક માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાયો હતો.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ અને પુનઃસ્થાપન કામગીરી હાથ ધરવામાં આવી છે. વિભાગના અધિકારીઓ, ઇજનેરો અને ફિલ્ડ સ્ટાફ સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં હાજર રહી દિવસ-રાત કામગીરી કરી રહ્યા છે. અસરગ્રસ્ત માર્ગોની તાલુકાવાર વિગતો જોઈએ તો, વલસાડમાં ૭૯, ધરમપુરમાં ૮૪, પારડીમાં ૯૭, ઉમરગામમાં ૨૨, નાનાપોંઢા વિભાગમાં ૭૮ તથા વલસાડ વિભાગમાં ૮૬ માર્ગો અસરગ્રસ્ત બન્યા હતા. આજના દિવસ દરમિયાન ૨૮ વિશેષ ટીમો, ૨૮૪ મેન-પાવર, ૬૫ જે.સી.બી., ૧૮ ટ્રેક્ટર અને ૨૧ ડમ્પરોની મદદથી માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત અંદાજે ૨૫૦૦ મેટ્રિક ટન મેટલનો ઉપયોગ કરીને માર્ગોને ઝડપથી વાહનવ્યવહાર માટે કાર્યરત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિભાગની સતત કામગીરીના પરિણામે કુલ ૪૪૬ અસરગ્રસ્ત માર્ગોમાંથી ૪૨૧ માર્ગો પર હાલ વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના માર્ગો પર પણ કામગીરી પ્રગતિમાં છે.
કાર્યપાલક ઈજનેરશ્રી ભાવેશ પટેલના જણાવ્યા મુજબ હજુ પણ જિલ્લામાં વરસાદ ચાલુ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં આવેલા કોઝ-વે ઉપર સતત પાણી ફરી વળે છે. સલામતીના હિતમાં આવા માર્ગો પર પાણીનું સ્તર ઘટે ત્યાં સુધી વાહનવ્યવહાર શરૂ કરી શકાય તેમ નથી. પાણીનું સ્તર સામાન્ય થતાં જ બાકીના માર્ગો પણ તાત્કાલિક વાહનવ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવશે. નાગરિકોને અનુરોધ છે કે પાણી ફરી વળેલા માર્ગો તથા કોઝ-વે પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.
