ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડના છીપવાડ ખાતે આવેલી રેલમાં દાણાબજારમાં ભારે નુકસાન થયું હતું. અનાજનો તમામ જથ્થો ખરાબ થતા દુર્ગંધ મારે તેવી સ્ફોટક સ્થિતિ બની હતી પરંતુ પૂરના પાણી ઓસર્યા બાદ વલસાડ નગરપાલિકાની ટીમે તાત્કાલિક સફાઈ કામગીરી આરંભતા અનેક સ્થાનિક વેપારીઓ પાલિકાની કામગીરીને બિરદાવી રહ્યા છે.

જે પૈકી છીપવાડમાં જન્નાથ મંદિર સામે આવેલી ઠાકોર મંછારામ એન્ડ કંપનીના પ્રોપ્રાઈટર ચિરાગ પ્રકાશચંદ્ર મહેતાએ જણાવ્યું કે, અમે અમારે ત્યાં અનાજ અને કેટલ ફૂડનો વેપાર કરીએ છે.

તા. ૨૩મીની રાત્રે ૧ વાગ્યે પાલિકાના સભ્ય હિતેશ ભંડારીએ કોલ કરીને જણાવ્યું કે, ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીમાં રેલ આવી શકે છે જેથી લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત થવા માટે જણાવ્યું હતું. જેથી મારાથી શક્યા એટલા તમામ વેપારીઓને જાણ કરવામાં આવી હતી. રાત્રિના બે વાગવા આવ્યા ત્યારે દુકાનોમાં ૨ ફૂટ જેટલા પાણી ભરાયા હતા અને ત્યારબાદ એક કલાકમાં જ એટલે કે ત્રણ વાગતા જ દુકાનોમાં ૮ થી ૧૦ ફૂટ પાણી ભરાઈ ગયા હતા, માત્ર દુકાનોના હોડિંગ્સ જ દેખાતા હતા.

આખુ દુકાન ડુબી ગઈ હતી. જો કે, બીજા દિવસે પૂરના પાણી ઓસર્યા બાદ દુકાનમાં જોયુ તો તમામ માલ સામાન નાશ પામ્યો હતો. સડેલા અનાજની તીવ્ર દુર્ગંધ આવવા લાગી હતી. અમને એવુ લાગતુ હતું કે, આ સડેલા અનાજનો તાત્કાલિક નિકાલ ન કરવામાં આવે તો રોગચાળો ફાટશે. પરંતુ વલસાડ જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાનના નેતૃત્વમાં વલસાડ પાલિકાના ચીફ ઓફિસરશ્રી યશપાલસિંહ વાઘેલા સવારે ૮ વાગ્યે જ સફાઈ કર્મચારીઓ અને જેસીબી તેમજ ટ્રેકટરના કાફલા સાથે છીપવાડ દાણા બજારમાં આવી ગયા અને પૂરજોશમાં સાફ સફાઈ ચાલુ કરાવી દીધી હતી.

જેથી અમને વેપારીઓને ખૂબ જ રાહત થઈ હતી. વેપારીઓએ પોતાની દુકાનનો સડેલો માલ રસ્તા પર કાઢી દેતા પાલિકા દ્વારા તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આજે પણ સફાઈ કામગીરી ચાલુ જ છે. પાલિકા દ્વારા તાત્કાલિક યુધ્ધના ધોરણે સફાઈ હાથ ધરાતા છીપવાડમાં જનજીવન હવે ધીમે ધીમે થાળે પડી રહ્યું છે. જે બદલ અમે જિલ્લા વહીવટી તંત્ર અને વલસાડ પાલિકાનો આભાર માનીએ છે.
