ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડના છીપવાડ ખાતે આવેલી ઐતિહાસિક રેલમાં લોકોના ઘરો પાણીમાં ડૂબી જતા જીવન અને મરણ વચ્ચે અત્યંત કપરી પરિસ્થતિનો સામનો કરવો પડ્યો હતો. આ કુદરતી આપત્તિ સમયે વલસાડ નગરપાલિકા દ્વારા અનેક લોકોને રેસ્ક્યુ કરવાની પડકારજનક કામગીરી બખૂબી નિભાવવામાં આવી હતી. જેમાં પાલિકાના ફાયરના જવાનો અને કોસંબાના તરવૈયાઓએ એક ૭૫ વર્ષીય દિવ્યાંગ વૃધ્ધાનું રેસ્ક્યુ પણ ખૂબ જ જહેમતપૂર્વક કરી નવુ જીવન આપ્યુ છે.
વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી યશપાલસિંહ વાઘેલાએ જણાવ્યુ કે, છીપવાડમાં રેલ આવી ત્યારે લોકોને બચાવવા માટે અનેક લોકોના કોલ આવી રહ્યા હતા, જે પૈકી એક કોલ છીપવાડના વાવડીમાં ૭૫ વર્ષીય દિવ્યાંગ વૃધ્ધાને બચાવવા માટેનો હતો. જેથી ફાયર ટીમને તાત્કાલિક રવાના કરી હતી. વૃધ્ધા બુધલીબેન લલ્લુભાઈ કુંકણા અને તેમના દીકરાને રેસ્કયુ કેવી રીતે કરવામાં આવ્યું તે અંગે વલસાડ પાલિકાના ફાયર ઓફિસરશ્રી હરદિપ ગઢવીએ જણાવ્યું કે, ફાયરના જવાનો બોટ લઈને ગયા ત્યારે જોયુ તો ઘરમાં ગળા સુધી અંદાજે પાંચ ફૂટ પાણી ભરાયેલા હતા. માજીને લાઈફ રીંગ પહેરાવી પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
પોતાનો જીવ બચ્યો હોવાનો આભાર માનતા પૂર અસરગ્રસ્ત બુધલીબેન લલ્લુભાઈ કુંકણા (ઉ.વ.૭૫, રહે. છીપવાડ- વાવડી, વલસાડ)એ જણાવ્યુ કે, હું દિવ્યાંગ છું, પગે ચાલી શકતી નથી. ઘરમાં પૂરના પાણી ભરાતા મારા દીકરા વિજય એ મને ખાટલા પર ખુરશી મુકી બેસાડી હતી. તેમ છતાં પાણીનો પ્રવાહ એટલો બધો આવતો હતો કે ઉપર બેસી હોવા છતાં મારા ગળા સુધી પાણી આવી ગયા હતા, હું બચાવો… બચાવો…ની બૂમો પાડી રહી હતી. તે સમયે તો મે જીવવવાની આશા જ છોડી હતી. પાણીમાં ડૂબી જવાની હાલત વચ્ચે મને નજર સામે મોત દેખાતુ હતું. આખરે વલસાડ પાલિકાના ફાયરના જવાનો મારા માટે દેવદૂત બનીને આવ્યા અને મને પૂરમાંથી બહાર કાઢી મને નવુ જીવન આપ્યું છે. એટલું જ નહીં મને એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મને નવુ જીવન આપવા બદલ હું વલસાડ નગરપાલિકાના ફાયર જવાનોનો આભાર માનુ છું.
