વલસાડ જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાને પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, પૂરપીડિતો સાથે આત્મીય સંવાદ કર્યો: છીપવાડના દાણાબજાર વિસ્તારમાં યુધ્ધના ધોરણે થઈ રહેલી સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યુ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડની ઔરંગા નદીમાં ૧૯૬૮ કરતા પણ મોટી રેલ આવતા નીચાણવાળા વિસ્તારમાં ભારે ખાના ખરાબી સર્જાઈ હતી. જેને પગલે જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજા વિવિધ વિભાગના અધિકારીઓની ટીમ સાથે પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા.

જિલ્લા કલેકટરશ્રીએ વલસાડના છીપવાડ ખાતે દાણાબજાર વિસ્તારની મુલાકાત લઈ વેપારીઓ દ્વારા રસ્તા પર કાઢવામાં આવેલા સડેલા અનાજનો જથ્થો તેમજ નગરપાલિકા દ્વારા યુધ્ધના ધોરણે થતી સફાઈનું નિરિક્ષણ કરી વેપારીઓની દુકાનમાં જઈ તેઓ સાથે રેલ સમયની સ્થિતિ અને રેસ્ક્યુ અંગે વાત કરી હતી. આ સાથે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા સહાય અંગે પણ કલેકટરશ્રીએ માર્ગદર્શન આપ્યુ હતું.

આ દરમિયાન છીપવાડના વાવડીમાં રહેતી પૂરપીડિતા મહિલા ગીતા રામચરણ શર્માએ અશ્રુભરી આંખે કલેકટરશ્રીને પૂરમાં પોતાના ઘરે તબાહી સર્જાઈ હોવાની વાત જણાવતા કલેકટરશ્રીએ માનવીય સંવેદના દાખવી તેમના ઘરે જઈ સ્થિતિનો તાગ મેળવી પરિવારના સભ્યોના હાલ ચાલ પૂછી આત્મીય સંવાદ કર્યો હતો આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા કેશ ડોલ અને ઘર વખરીની સહાય અંગે આશ્વાસન આપ્યું હતું.

છીપવાડ વાવડીમાંથી પસાર થતી ગટરની નિયમિત સફાઈ અંગે પણ પાલિકા પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ, ચીફ ઓફિસરશ્રી યશપાલસિંહ વાઘેલા અને પાલિકાના સભ્ય હિતેશભાઈ ભંડારીને સૂચન કર્યુ હતું. કલેકટરશ્રીએ તરિયાવાડમાં થયેલી તારાજી અંગે પણ નિરીક્ષણ કરી હનુમાનભાગડા પીચીંગ પાસે પહોંચી ગામના સરપંચ પ્રિતીબેન પટેલ સાથે પૂરના પાણી, નુકસાન અને સાફ સફાઈ અંગે માહિતી મેળવી પૂર અસરગ્રસ્તોને ફૂડ પેકેટ અને પીવાના પાણીની વ્યવસ્થા તેમજ સર્વે અંગે પણ વાતચીત કરી હતી.

આ સમયે પાલિકાના માજી સભ્ય હિતેશ રાણાએ પૂર અસરગ્રસ્તોનો સર્વે થઈ રહ્યો છે તેમાં અધિકારીઓ ડોક્યુમેન્ટ માંગે પરંતુ મોટે ભાગના લોકોના ડોકયુમેન્ટ પૂરમાં તણાઈ ગયા હોવાથી હાલમાં ઉપલબ્ધ ન હોય તેવા લોકોને પણ સહાય આપવામાં રજૂઆત કરી હતી. જે અંગે કલેકટરશ્રીએ માનવતાના ધોરણે હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે એવી ખાતરી આપી હતી.

કલેકટરશ્રી અને જિલ્લા વહીવટી તંત્રના કાફલાએ ત્યારબાદ હનુમાનભાગડા ગામના શનિદેવ મંદિર પાસે ઔરંગા નદીના કાંઠે પાણીના પ્રવાહનું નિરીક્ષણ કર્યુ હતું. જિલ્લા કલેકટરશ્રીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ તમામ નુકસાન અને કપરા હાલત અંગે જાત માહિતી મેળવતા પૂર પીડિતોએ પણ રાહત અનુભવી હતી અને વહીવટી તંત્ર આ દુઃખની ઘડીમાં તેમની સાથે છે એવી અનુભૂતિ કરી હતી.
કલેકટરશ્રીના આ નિરિક્ષણ દરમિયાન વલસાડ પ્રાંત અધિકારીશ્રી વિમલ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એ.કે.સિંઘ, વલસાડ તાલુકા વિકાસ અધિકારીશ્રી કેતન સોલંકી સહિતના અધિકારીઓ જોડાયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!