ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદના કારણે સર્જાયેલી પુરની પરિસ્થિતિમાં વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સૌથી વધુ નુકશાન થયું હતું. વલસાડના છીપવાડમાં આવેલી અનાજ કરિયાણાની દુકાનો, ઘરો અને અનાજ અને તેલના ગોડાઉનોમાં આશરે સાત ફૂટ જેટલા પાણી ભરાતાં સ્થિતિ અત્યંત કફોળી બની હતી.

પૂરના પાણી સાથે કાદવ કીચડના થર જામ્યા હતા. અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો અને અન્ય સામાન પલળી જતા તેના નિકાલ માટે વલસાડ વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે.

સફાઈ કર્મીઓની ટીમ સાથે ટ્રેક્ટરોમાં કચરો ભરી તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. કાદવ કીચડના થરને ટ્રેક્ટરો અને જેસીબીથી હટાવવામાં આવી રહ્યા છે. અનાજના જથ્થાને વેપારીઓ દ્વારા દુકાનોની બહાર કાઢી તેનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ દરમિયાન અનાજના વેપારી હિતેશભાઈ એ જણાવ્યું હતું કે, અચાનક જ નદીમાં વધારે પડતું પાણી આવી જતાં દુકાનમાં સાત ફૂટ સુધી પાણી ભરાઈ જતા તમામ અનાજનો જથ્થો પલળી ગયો છે.

ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં દુકાનમાંથી આ પલળી ગયેલા સામનને બહાર કાઢી તંત્ર સાથે તેનો તોગ્ય નિકાલ કરવાની કામગીરી કરી રહ્યા છે.
