વલસાડ જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાને વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ: કાશ્મીરા નગર વિસ્તારના આશરે ૨૫૦ થી ૩૦૦ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાતા જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાને અગમચેતીના ભાગરૂપે વલસાડ શહેરના નીચાણવાળા વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ આ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું તેમજ સંબંધિત વિભાગોને દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.
ઔરંગા નદીમાં પાણીનું સ્તર ઉંચુ આવતા કાશ્મીરા નગર અને આસપાસના રહેવાસીઓનું સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અંદાજિત ૨૫૦ થી ૩૦૦ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. રામલલ્લા હોલ ખાતે આશ્રય સ્થાનમાં તેમના રહેવા અને ભોજનની વ્યવસ્થા વલસાડ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.
સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી વલસાડ જિલ્લા કલેકટરશ્રીએ આજે સવારે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરશ્રીએ વલસાડ નગરપાલિકા, વલસાડ પોલીસ અને એનડીઆરએફની ટીમ સાથે ભારે વરસાદની પરિસ્થિતિમાં જરૂરી તકેદારીના પગલાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કલેકટરશ્રીએ ભારે વરસાદની પરિસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રની ટીમ ખડેપગે તૈનાત છે એમ જણાવી જાહેર જનતાને સાવચેત રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓ પર ધ્યાન આપવા અપીલ કરી હતી.
જિલ્લા કલેકટરશ્રીની આ મુલાકાત વેળા વલસાડ પ્રાંત અધિકારીશ્રી વિમલ પટેલ, વલસાડ મામલતદારશ્રી વિકાસ વાઘેલા અને વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ સાથે રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!