ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા તા. 20 જુલાઈ, 2026ના રોજ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ–2026ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ચંદ્ર, અવકાશ વિજ્ઞાન તથા અંતરિક્ષ સંશોધન પ્રત્યે વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસા અને રસ કેળવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં શિક્ષા સહાયક શ્રી કૃણાલકુમાર આર. ચૌધરી દ્વારા આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસનું મહત્વ, તેની ઉજવણીનો હેતુ તથા ચંદ્ર સંશોધનનું વૈજ્ઞાનિક મહત્વ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ દર વર્ષે 20 જુલાઈએ ઉજવવામાં આવે છે. 20 જુલાઈની તારીખનું વિશેષ મહત્વ એ છે કે, 20 જુલાઈ, 1969ના રોજ એપોલો-11 મિશન દ્વારા માનવજાતે પ્રથમ વખત ચંદ્ર પર સફળતાપૂર્વક પગ મૂક્યો હતો. આ ઐતિહાસિક વૈજ્ઞાનિક સિદ્ધિના સ્મરણાર્થે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ ચંદ્ર અને અવકાશ વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ તથા જિજ્ઞાસા વિકસાવવાનો અને અવકાશ સંશોધનના મહત્વ વિશે જનજાગૃતિ લાવવાનો છે.

ત્યારબાદ વિદ્યાર્થીઓને ચંદ્ર વિષયક માહિતીપ્રદ ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી, જેમાં ચંદ્રની ઉત્પત્તિ, તેની વિશેષતાઓ, વિવિધ ચંદ્ર અભિયાનો તથા અવકાશ સંશોધન અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા વિજ્ઞાન અધિકારી શ્રી પ્રજ્ઞેશ ધ. રાઠોડ દ્વારા ‘ભારતનું ચંદ્ર મિશન: સ્વપ્નથી સિદ્ધિ સુધી’ વિષય પર લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે વિશ્વના પ્રથમ માનવ ચંદ્ર અવતરણ એપોલો-11 મિશનની સંક્ષિપ્ત માહિતી આપી તેમજ ભારતના ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 મિશનોની વિશેષતાઓ, તેમની વૈજ્ઞાનિક સિદ્ધિઓ તેમજ ઇસરોના ભાવિ અવકાશ મિશનો અંગે રસપ્રદ અને માહિતીસભર રજૂઆત કરી હતી.

આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે ચંદ્ર, અંતરિક્ષ વિજ્ઞાન તથા ભારતના ચંદ્ર અભિયાનોને આધારિત ઓપન હાઉસ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની વૈજ્ઞાનિક જાણકારીનું પ્રદર્શન કર્યું.
ત્યારબાદ વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 મિશનના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરના મોડેલનું નિરીક્ષણ કરીને તેની કાર્યપદ્ધતિ વિશે માહિતી મેળવી. ઉપરાંત, 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજી દ્વારા ચંદ્રનું 3D મોડેલ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેનું જીવંત પ્રાયોગિક નિદર્શન રજૂ કરવામાં આવ્યું, જેને વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક નિહાળ્યું હતું. કાર્યક્રમના અંતિમ તબક્કે શિક્ષા સહાયક શ્રી કૃણાલકુમાર આર. ચૌધરી દ્વારા કેમિકલ રોકેટ તથા જિલ્લા વિજ્ઞાન અધિકારી શ્રી પ્રજ્ઞેશ ધ. રાઠોડ દ્વારા વોટર રોકેટનું જીવંત પ્રયોગાત્મક નિદર્શન કરવામાં આવ્યું. રોકેટના કાર્ય પાછળ રહેલા વૈજ્ઞાનિક સિદ્ધાંતોને સરળ અને પ્રયોગાત્મક રીતે સમજાવતાં આ નિદર્શનોએ વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ અને જિજ્ઞાસા જગાવી હતી.

આ કાર્યક્રમમાં એસ. એમ. એસ. એમ. હાઈસ્કૂલના આચાર્ય શ્રી દીપકભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષિકા શ્રીમતી સોનલબેન એફ. માલી સાથે કુલ 61 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સક્રિય સહભાગિતા નોંધાવી હતી. વિદ્યાર્થીઓએ ચંદ્ર, અવકાશ વિજ્ઞાન તથા ભારતના અવકાશ સંશોધન અંગે નવી અને ઉપયોગી માહિતી પ્રાપ્ત કરી હતી. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસા અને અવકાશ વિજ્ઞાન પ્રત્યે વધુ રસ વિકસાવવામાં સફળતા મળી હતી.
