ગુજરાત એલર્ટ | વલસાડ
ચોમાસા દરમિયાન પાણીના ભરાવાના કારણે વારંવાર રસ્તાઓ બિસ્માર બનવાના કે ખાડા પડવાના બનાવો બને છે. જેનાથી વાહનચાલકોને રાહત મળે તે માટે કેન્દ્ર સરકારની દિલ્હી સ્થિત ઈન્સ્ટીટ્યુટ દ્વારા સંશોધન કરી લોખંડના ભુક્કામાંથી ચોમાસામાં રસ્તાનું પેચવર્ક કરવાનો નવીનતમ વિચાર અપાતા વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે પ્રથમવાર માર્ગોના ખાડાઓનું ઝડપી અને ગુણવત્તાસભર રીપેરીંગ કામ માટે વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ECOFIX (ઈકોફિક્સ) કોલ્ડમિક્સ ટેકનોલોજીનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.

આ પ્રયોગ અંતર્ગત વિવિધ આબોહવા અને ટ્રાફિકની પરિસ્થિતિઓમાં મટિરિયલની કામગીરી, ટકાઉપણું અને અસરકારકતાનું સમયાંતરે મૂલ્યાંકન કરવામાં આવશે.
આ અંગે વલસાડ પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી ભાવેશ એમ. પટેલે જણાવ્યું કે, દિલ્હીના સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ –CSIR (કાઉન્સિલ ઓફ સાયન્ટીફીક એન્ડ ઈન્ડ્રસ્ટીલ રીસર્ચ) દ્વારા Ramuka Global Services Pvt. Ltd. ના સહયોગથી વિકસાવવામાં આવેલી આ ટેકનોલોજી માર્ગ સમારકામ માટે એક નવીન અને પર્યાવરણ મૈત્રી વિકલ્પ છે. આ ટેકનોલોજીમાં સ્ટીલ ઉદ્યોગની આડપેદાશ એવા પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગ (લોખંડનો ભુક્કો) નો ઉપયોગ કરીને વિશેષ પ્રકારનું કોલ્ડમિક્સ મટિરિયલ તૈયાર કરવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ મિશ્રણમાં પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સને વિશિષ્ટ પોલિમરિક બાઇન્ડર સાથે સંયોજિત કરવામાં આવે છે, જેના કારણે મટિરિયલ વધુ મજબૂત, પાણી પ્રતિરોધક અને લાંબા સમય સુધી ટકાઉ રહે છે. તેની વિશેષતા એ છે કે, તેને કોઈપણ ગરમી આપ્યા વિના સામાન્ય તાપમાને સીધું જ ઉપયોગમાં લઈ શકાય છે. ઉપરાંત, વરસાદી પરિસ્થિતિમાં પાણી ભરાયેલા ખાડાઓમાં પણ ટેકકોટિંગ વિના અસરકારક રીતે પેચવર્ક કરી શકાય છે. માત્ર ૨૦ મીનીટમાં જ કોલ્ડ મિક્સ ખાડા સાથે સેટ થઈ જાય છે.

આ પ્રાયોગિક અમલના પરિણામોના આધારે ભવિષ્યમાં પંચાયતના માર્ગો પર આ ટેકનોલોજીનો વધુ વ્યાપક ઉપયોગ કરવામાં આવશે, જેથી માર્ગ જાળવણીની કામગીરી વધુ ઝડપી, ગુણવત્તાસભર અને ટકાઉ બની શકે. સાથે જ સ્ટીલ ઉદ્યોગની આડપેદાશનો પુનઃઉપયોગ થવાથી પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસને પણ પ્રોત્સાહન મળશે.

પારડીમાં સફળતા મળ્યા બાદ સમગ્ર જિલ્લામાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે
વલસાડ જિલ્લામાં ગત વર્ષે આ નવીન ટેકનોલોજી દ્વારા ચોમાસા દરમિયાન રસ્તાનું પેચવર્ક કરવામાં આવ્યુ ન હતું પરંતુ કેન્દ્ર સરકારની દિલ્હી સ્થિત સંસ્થા દ્વારા પરિક્ષણ કરી સફળતા મળતા આ વર્ષે પ્રથમ વાર વલસાડ જિલ્લા પંચાયતની માર્ગ અને મકાન શાખાએ પણ આ ટેકનોલોજીની અમલવારી કરી છે. આ કોલ્ડમિક્સ ટેકનોલોજી માટે મોટે ભાગનું લોખંડ સ્ટીલ પ્લાન્ટમાંથી મેળવવામાં આવે છે. થોડા વર્ષો અગાઉ સુરતમાં પ્રથમ વાર હજીરા ખાતે સ્ટીલનો રોડ બનાવવામાં આવ્યો હતો. હવે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં વિવિધ માર્ગોના પેચવર્ક માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. જેની સફળતા બાદ સમગ્ર જિલ્લામાં લાગુ કરાશે.
