ગુજરાત એલર્ટ | વલસાડ
કુદરતી કે આકસ્મિક આપત્તિમાં લોકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તે માટે વલસાડ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે નવી ભરતી થયેલા ૨૫૦ જેટલા પોલીસ કોન્સ્ટેબલોની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમમાં પોલીસ જવાનોને લોકોનો જીવ બચાવવા માટે અનેકવિધ આઈડિયાઓનું પ્રેકટીકલ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

વડોદરા ખાતે NDRF 6 બટાલિયન ટીમના ઈન્સ્પેક્ટર વિજય કુમારના નેતૃત્વમાં આ તાલીમ ચાલી રહી છે. જેમાં પોલીસ જવાનોને આપત્તિ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવી તાલીમમાં આપત્તિ વ્યવસ્થા વિષેની માહિતી આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને સુનામી કે પૂર આવે તેવા સંજોગોમાં ફાયર બ્રિગ્રેડ સહિતની રાહત ટીમ જલદી આવી ન શકે તેમ હોય તો તે સમયે માનવ નિર્મિત ઘરેલુ ઉપચાર જેમકે, થર્મોકોલ અથવા બોટલ વડે કેવી રીતે લોકોનો જીવ બચાવી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સિવાય રોડ અકસ્માતમાં વર્ષે હજારો લોકો મોતને ભેટી રહ્યા છે જેમાં પણ ખાસ કરીને વધુ પડતું લોહી વહી જવાના કારણે મોત થતા હોય તેમાં લોહીને કેવી રીતે અટકાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

હાલમાં રાસાયણિક ખાતરના બેફામ ઉપયોગથી બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે. જંકફૂડથી મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યુ છે. લોકો હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આ સંજોગોમાં સીપીઆર આપીને કેવી રીતે કોઈનો જીવ બચાવી શકાય તેની સમજ આપવામાં આવી હતી.

આ સિવાય આગ લાગે ત્યારે નાસભાગ થવા લાગે અને ધુમાડાના કારણે લોકો બેભાન પણ થઈ જતા હોય છે આ સમયે આગથી બચવા માટેના આઈડીયા પોલીસ જવાનોને તાલીમમાં સમજાવાયા હતા. ઈન્સ્પેકટર વિજય કુમારે કહ્યુ કે, આગ જમીનથી દોઢ ફૂટ ઉપર હોય છે ત્યારે નાસભાગ કરવાથી ધુમાડાને કારણે વધુ તકલીફ થાય છે. જેથી નીચેના ભાગે રહેવુ જોઈએ. આ સિવાય ભૂકંપ, ઔદ્યોગિક અકસ્માત, ફાયર સેફટી અને શોધ બચાવ, ઘાયલ વ્યક્તિઓને ઉપાડવાની પદ્ધત્તિ, સમુદાય આધારિત પ્રાથમિક સારવાર અને સીપીઆર જેવા મહત્વના વિષયો ઉપર પણ તાલીમ આપવામાં આવી હતી.
