ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળની જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, વલસાડ દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત ગત તા. ૦૬/૦૭/૨૦૨૬ના રોજ એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પારડી તાલુકાના ઉદવાડા ખાતે આવેલી તાલુકા હેલ્થ કચેરી ખાતે યોજાયેલા આ સેમિનારમાં તાલુકાની આશા કાર્યકર બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ જાગૃતિ કાર્યક્રમ દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર (THO) દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન (PPT) ના માધ્યમથી ઉપસ્થિત તમામ આશા કાર્યકર બહેનોને PCPNDT અધિનિયમ (ગર્ભધારણ પૂર્વે અને પ્રકૃતિ પૂર્વે નિદાન તકનીક કાયદો) ની વિવિધ કાયદાકીય જોગવાઈઓ વિશે વિસ્તૃત કાનૂની સમજ આપવામાં આવી હતી. તેમણે ગર્ભલિંગ નિર્ધારણ પરના સંપૂર્ણ પ્રતિબંધ, આ કાયદા પાછળના મુખ્ય હેતુઓ અને સમાજમાં કાયદાના અસરકારક અમલીકરણમાં આરોગ્ય કાર્યકરોની ભૂમિકા અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સેમિનારમાં આગળ સંબોધન કરતા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી (DHEW )ના પ્રતિનિધિ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, તેમના ઉચ્ચ શિક્ષણ, સુરક્ષા અને સર્વાંગી સશક્તિકરણ અંગે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતમાં, ગ્રામ્ય સ્તરે સીધો જનસંપર્ક ધરાવતી ઉપસ્થિત તમામ આશા કાર્યકર બહેનોને સરકારની આ તમામ કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારવા અને તેના લાભો ગામડાના છેવાડાના અને વધુમાં વધુ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે સક્રિય યોગદાન આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.
