ગુજરાત એલર્ટ | વલસાડ
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૮૦થી વધુ વર્ષોથી નિઃસ્વાર્થ, સુલભ અને ગુણવત્તાસભર આરોગ્યસેવા આપતી અગ્રણી ચેરિટેબલ સંસ્થા કસ્તૂરબા વૈદ્યકીય રાહત મંડળ (કસ્તૂરબા હોસ્પિટલ), વલસાડને સમાજ આરોગ્ય ક્ષેત્રે તેના ઉત્કૃષ્ટ અને દીર્ઘકાલીન યોગદાન બદલ અમદાવાદ ખાતે સંભાવ મીડિયા ગ્રૂપ – VTV News દ્વારા આયોજિત “VTV News Health Conclave & Awards – 2026″માં રાજ્યસ્તરીય સન્માનથી નવાજવામાં આવી.

આ ગૌરવપૂર્ણ સન્માન ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાના શુભ હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.
૧૯૪૪માં સ્થાપિત કસ્તૂરબા વૈદ્યકીય રાહત મંડળ આજે દક્ષિણ ગુજરાતની અગ્રણી ટ્રસ્ટ આધારિત મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે લાખો દર્દીઓને આધુનિક, નૈતિક અને દર્દીકેન્દ્રિત આરોગ્યસેવા પૂરી પાડી રહી છે. છેલ્લા આઠ દાયકાથી સંસ્થાએ સમાજના દરેક વર્ગ સુધી ગુણવત્તાસભર સારવાર પહોંચાડીને આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ સન્માન સંસ્થાના ટ્રસ્ટીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ ટીમ, કર્મચારીઓ, દાતાશ્રીઓ, સ્વયંસેવકો તથા કસ્તૂરબા હોસ્પિટલ પર વિશ્વાસ વ્યક્ત કરનાર લાખો દર્દીઓ અને તેમના પરિવારજનોને સમર્પિત છે.
આ પ્રસંગે સંસ્થાના સંચાલન મંડળે જણાવ્યું કે, “આ સન્માન છેલ્લા ૮૦ વર્ષથી સમાજે અમારી સંસ્થા પર મૂકેલા અતૂટ વિશ્વાસની સ્વીકૃતિ છે. આ ગૌરવ સમગ્ર કસ્તૂરબા પરિવારનું છે અને ભવિષ્યમાં પણ અમે શ્રેષ્ઠ, સુલભ અને કરુણાસભર આરોગ્યસેવા માટે અવિરત કાર્યરત રહીશું.”
“૮૦ વર્ષથી વધુનો વિશ્વાસ… સેવાની અવિરત પરંપરા… આરોગ્યમાં શ્રેષ્ઠતાનો સંકલ્પ”
