ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, પારડી અને વાપી તાલુકાના સાંકડા રસ્તા, અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તાર કે જ્યાં ૧૦૮ એમ્બ્યુલન્સ ન પહોંચી શકે ત્યાં રાજ્ય સરકારની આરોગ્ય સેવા પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ચાર મોબાઈલ હેલ્થ યુનિટ (દ્વિ ચક્રિય મોપેડ) એમ્બ્યુલન્સ સેવાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ સહિતના મહાનુભાવોએ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.

આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એ.કે.સિંઘ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.પી.સિંઘ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ યુનિટ દ્વારા છેવાડાના નાગરિકોને તપાસ, નિદાન અને દવાઓ ઘરે બેઠા મળશે. ટુ-વ્હીલર MHU (મોબાઈલ હેલ્થ યુનિટ) પગદંડી વિસ્તાર સુધી પણ પહોંચશે.

આ ટુ વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટમાં પ્રાથમિક તપાસ તેમજ સારવાર તથા રેન્ડમ બ્લડ સુગર, મેલેરિયા, પ્રેગ્નન્સી તપાસ, પેશાબ તથા અન્ય રિપોર્ટ, બ્લડપ્રેશર, શરીરનું તાપમાન જેવા અનેક રિપોર્ટ અને દવાઓ દર્દીઓને ઘર બેઠા આપવામાં આવશે. જે દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
