વલસાડ જિલ્લામાં શિક્ષણનો ઉત્સવ બન્યો શાળા પ્રવેશોત્સવ, ૩ દિવસમાં ૪૧૩૧૬ બાળકોએ ઉજ્જવળ ભવિષ્ય તરફ ડગ માંડ્યા

ગુજરાત એલર્ટ | વલસાડ
શાળા પ્રવેશોત્સવ’ માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, પરંતુ દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટેનું જનઆંદોલન બની રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લો આ દિશામાં સતત આગળ વધી રહ્યો છે. “પ્રગતિનો પ્રવેશોત્સવ” થીમ સાથે ઉજવાયેલા ૨૩માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૨૬ ની ત્રિદિવસીય ઉજવણી વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં હર્ષોલ્લાસભેર પૂર્ણ થઇ છે.
વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ દિવસ દરમિયાન વલસાડ જિલ્લામાં આંગણવાડી, બાલવાટિકા, ધો. ૦૧, ધો. ૦૯ અને ધો. ૧૧ મળી કુલ ૪૧૩૧૬ બાળકોએ પ્રવેશ મેળવી પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ ડગ માંડયા છે. આ મહોત્સવે માત્ર બાળકોના શાળા પ્રવેશ સુધી જ સીમિત ન રહી શિક્ષણ પ્રત્યે જનજાગૃતિ, કન્યા કેળવણી, ડ્રોપઆઉટ નિવારણ, શાળા વિકાસ અને સમાજની ભાગીદારીને પણ નવી દિશા આપી છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી મહોત્સવની પણ શરૂઆત કરાવી હતી. શ્રી નરેન્દ્રભાઇ મોદીની આ દુરંદેશી આજે ૨૩ વર્ષ બાદ હકીકતમાં સાર્થક થઈ છે, વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે યોજાયેલા આ પ્રવેશોત્સવમાં ૧૯૧૭૪ કુમારની સરખામણીએ ૨૦૩૩૯ કન્યાઓએ પ્રવેશ મેળવ્યો છે, એટલે કે કુમારની તુલનાએ ૧૧૬૫ વધુ કન્યાઓએ પ્રવેશ મેળવ્યો છે. જે આંકડો જોઈ કન્યા કેળવણી મહોત્સવ ખરા અર્થમાં સાર્થક થતો જઇ રહ્યો છે. આંકડા પર નજર કરીએ તો, ધો. ૧૧ માં ૪૦૯૭ કુમાર સામે ૫૨૬૩ કન્યા, ધો. ૯ માં ૭૩૫૬ કુમારની સામે ૭૩૯૦ કન્યા, ધો. ૧ માં ૬૬૬ કુમાર સામે ૭૦૦ કન્યા, બાલવાટિકામાં ૫૩૪૫ કુમારની સામે ૫૨૭૬ કન્યા અને આંગણવાડીમાં ૧૭૧૦ કુમાર અને ૧૭૧૦ કન્યાએ પ્રવેશ મેળવ્યો છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે, દૂર ગામડામાં પણ ૧૦૦ ટકા શાળામાં નામાંકન થાય અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી હતી. આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના સચિવ કક્ષાના અધિકારીઓ, જિલ્લાના સનદી અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અંતરિયાળ ગામડાઓ ખૂંદી વળી ભૂલકાઓને કુમકુમ તિલક કરી ભેટ સૌગાદ આપી શાળામાં હસી ખુશી પ્રવેશ કરાવી બાળકો અને વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરે છે. ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓએ વલસાડ જિલ્લાના ૬૮૬ ગામની શાળાઓમાં પહોંચી બાળકોને શાળામાં વાજતે ગાજતે પ્રવેશ કરાવ્યો હતો.

શાળાના અને બાળકોના વિકાસમાં વાલીઓ અને ગામના આગેવાનોની ભૂમિકા મહત્વની હોય છે. જેથી શાળા પ્રવેશોત્સવ કન્સેપટ હેઠળ સ્ફુલ મેનેજમેન્ટ કમિટી (SMC)ની પણ રચના કરવામાં આવે છે. ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ SMC ના સભ્યો સથે બેઠક કરી બાળકોના સર્વાંગી વિકાસ માટે વધુ શુ પગલાં ભરી શકાય અને શાળાનો વિકાસ કેવી રીતે કરી શકાય તેમજ શાળા પરિણામની ચર્ચા કરી કેવી રીતે વધુ બહેતર બનાવી શકાય તેની ચર્ચા કરવામાં આવે છે. આ ત્રણ દિવસના પ્રવેશોત્સવ દરમિયાન SMC કમિટીમાં ૫૩૪૦ મહિલા અને ૪૮૪૯ પુરુષ મળી કુલ ૧૦૧૮૧ વાલીઓએ ભાગ લઈ પોતાના સૂચનો કર્યા હતા.

શાળામાં પ્રવેશ મેળવ્યા બાદ કોઈક કારણોસર બાળકો શાળાએ જવાનું બંધ કરી દેતા હોઈ છે. જેના કારણે ડ્રોપ આઉટ રેશિયો વધતો જતો હોય છે. જેને અટકાવવા માટે શાળા પ્રવેશોત્સવ મહત્વનો ભાગ ભજવે છે. જે અંતર્ગત શાળામાંથી કોઈ બાળક અધવચ્ચે અભ્યાસ છોડી દે તો શાળાના શિક્ષકો બાળકના ઘરે જઈ માતા પિતાને શિક્ષણનું મહત્વ સમજાવી ફરી સ્કૂલમાં અભ્યાસ ચાલુ કરવા સમજાવવામાં આવે છે. જે અંતર્ગત ૭૪૨ કુમાર અને ૫૬૬ કન્યા મળી કુલ ૧૩૦૫ બાળકોએ ફરી શાળામાં પ્રવેશ કરતા તેઓને વધાવી લઈ શાળામાં પુનઃ ઉષ્માભેર આવકાર આપ્યો હતો. જેમાં સૌથી વધુ બાળકોનો પુનઃ પ્રવેશ ઉમરગામ તાલુકામાં ૩૬૫ બાળકો અને કપરાડામાં ૩૨૦ બાળકો સ્કૂલમાં પરત ફર્યા છે. આ સિવાય બાળકોને શાળામાં આવવા જવામાં તકલીફ ન પડે તે માટે ૫૮ શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ શાળા પ્રવેશોત્સવ દરમિયાન કરવામાં આવી હતી.
શાળાના વિકાસ માટે અને બાળકોને અભ્યાસ માટે જરૂરી ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે શાળા પ્રવેશોત્સવ દરમિયાન દાતાશ્રીઓ દ્વારા રોકડ અને વસ્તુ સ્વરૂપમાં દાન કરવામાં આવે છે. જે મુજબ આ ત્રણ દિવસમાં જિલ્લામાં રૂ. ૧,૪૨,૯૫૯ નું રોકડ દાન અને રૂ .૪૯,૫૫,૯૬૪નું વસ્તુ સ્વરૂપમાં દાન મળી કુલ રૂ. ૫૧,૦૩,૪૧૨ રૂપિયાનું દાન ઉદારભાવે મળતા બાળકોને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે. શાળાના વિકાસ માટે દાન કરનાર દાતાઓનું પ્રવેશોત્સવ દરમિયાન મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું.
પહેલાના સમયમાં ગામડામાં સરકારી સ્કૂલમાં અભ્યાસ જ એકમાત્ર વિકલ્પ હતો, પરંતુ હવે ગામડામાં પણ ખાનગી શાળા શરૂ થતાં વાલીઓ પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાં મુકવા લાગ્યા હતા. જો કે રાજ્ય સરકારે સર્વ શિક્ષા અભિયાન હેઠળ અનેક ગામડાઓમાં આધુનિક સુવિધા સાથેની હાઈટેક નવી સ્કૂલોનું નિર્માણ કરતા હવે સરકારી સ્કૂલના મકાન અને સુવિધા ખાનગી શાળાને ટક્કર મારે તેવી છે, જેથી વાલીઓ ફરી પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં શિક્ષણ માટે મૂકી રહ્યા છે. જે મુજબ આ પ્રવેશોત્સવ દરમિયાન ત્રણ દિવસમાં ૪૫ કુમાર અને ૨૧ કન્યા મળી કુલ ૬૬ બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાંથી પ્રવેશ મેળવ્યો છે.
આમ, રાજ્ય સરકારનો ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરેક રીતે વલસાડ જિલ્લાને ફળ્યો છે, જે સરકારી શાળાના વિકાસ અને છેવાડાના બાળકો શિક્ષણથી વંચિત ના રહે તે માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!