ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજથી આગામી તા.૨૫ જૂન સુધી ૨૪મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિને વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વલસાડની ડી.એમ.ડી.જી મ્યુનિસીપલ હાઈસ્કુલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં ધોરણ – ૯ ના ૨૯ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જેમાં ૨૧ કુમાર અને ૦૮ કન્યાનો સમાવેશ થાય છે.

અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, શિક્ષણ વિના કંઈ શક્ય નથી. માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ ખુબ જ મહત્વનો છે. શિક્ષણનો આ તબક્કો ખુબ જ અગત્યનો છે. તેથી વિદ્યાર્થીઓએ ખુબ જ ધગશ અને મહેનતથી ભણવું જોઈએ.

મહાનુભાવોના હસ્તે શાળામાં સ્કોલરશીપની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ, શાળામાં ૧૦૦ ટકા હાજરી ધરાવતા અને શાળાના અન્ય તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા.
આ સાથે કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય અંગે વક્તવ્ય રજુ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વલસાડ નગરપાલિકા ઉપપ્રમુખ આશુતોષ શર્મા, શાળાના ચેરમેન, આચાર્યા શ્રીમતી હેમલતાબેન પટેલ, શિક્ષકો તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
