ગુજરાત એલર્ટ | વલસાડ
રાજયકક્ષા મંત્રીશ્રી, જળસંપત્તિ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) શ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડના રમણીય તિથલ સમુદ્ર કાંઠે સ્થિત સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન પટેલ અને ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કોલકાત્તા ખાતેના તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માણસા ખાતેના યોગ દિવસ અંતર્ગતના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.

રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે સૌ યોગ પ્રેમીઓને વિશ્વ યોગ દિવસની શુભેચ્છા પાઠવી પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયાસને કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુનાઈટેડ નેશન્સ) દ્વારા તા. ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરતા વર્ષ ૨૦૧૫માં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો હતો.

વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટીના કારણે આજે યોગ દિવસ વૈશ્વિક ઉત્સવ બની ગયો છે. યોગ એ આપણા પ્રાચીન સમયના ઋુષિ મુનીઓની દેન છે. યોગથી આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. આ વર્ષની થીમ છે યોગ ફોર હેલ્થી એજિંગ એટલે કે, સ્વસ્થ જીવન માટે યોગ ખૂબ જ મહત્વના છે. યોગને જીવનનો ભાગ બનાવવાથી વૃધ્ધત્વ પણ તંદુરસ્ત રહે છે. આપણે સૌ સંકલ્પ કરીએ કે, યોગને માત્ર એક દિવસ નહી પરંતુ નિયમિત જીવનનો ભાગ બનાવીશું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના દક્ષિણ ઝોનના કો-ઓર્ડિનેટરશ્રી પ્રીતિબેન પાંડે અને તેમની ટીમે મંચ સંચાલન કરી મંત્રીશ્રી સહિત તમામ લોકોને સામૂહિક યોગાભ્યાસ કરાવી યોગના આસનો, પ્રાણાયામ અને ધ્યાનનું મહત્વ સમજાવી નિયમિત યોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા.

“Yoga for Healthy Ageing” થીમને ધ્યાનમાં રાખી આયોજિત આ કાર્યક્રમમાં વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઈ મેહવાલા, જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાન, પ્રોબેશનરી આઈએએસ પિયુષ ઘટાલા, નિવાસી અધિક કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા, પ્રાંત અધિકારીશ્રી વિમલ પટેલ, ગુજરાત પ્રદેશ સંગઠનના મંત્રીશ્રી સોનલબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, સરકારી અધિકારીઓ- કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી સામૂહિક યોગાભ્યાસ કરી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન વલસાડના સેગવી ગામની સર્વોદય હાઈસ્કૂલના આચાર્યા શ્રીમતી ઉન્નતિબેન દેસાઈએ કર્યુ હતું.
