ગુજરાત એલર્ટ | વલસાડ
વાપી મહાનગરપાલિકા દ્વારા ચલા ઝોન ઓફિસ ખાતે કમિશ્નરશ્રી એન.એફ.ચૌધરી, મેયરશ્રી દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયરશ્રી મિતેશભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષશ્રી સતીષભાઈ પટેલ વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં યુસીડી શાખા દ્વારા ત્રણ દિવસની જન કલ્યાણ શિબિરનો તા.૧૭/૦૬/૨૬ ના રોજ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

રાજ્યની પ્રજા સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે તથા આ યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજ વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત ૨૦૪૭ નું ધ્યેય સાકાર કરવા માટે તેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની મુખ્ય યોજનાઓનો આ શિબિરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમાં પી.એમ. સ્વનિધિ યોજના, પી.એમ. સૂર્યઘર યોજના, આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વયવંદના, નમોશ્રી યોજના, ફ્રી શીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ યોજના વગેરે ૧૫ જેટલી યોજનાઓ માટે આ શિબિરમાં ૩૦૦ જેટલા લાભાર્થીઓને માર્ગદર્શન આપી અરજી સહાય અને દસ્તાવેજ ચકાસણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પીએમ સ્વનિધિના લાભાર્થીઓને મંજુરી પત્ર આપવામાં આવ્યા હતા. તેમજ લાભાર્થીઓના નવી અરજીઓના ફોર્મ ભરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન નાયબ કમિશ્નરશ્રી કિરણસિંહ રણાના માર્ગદર્શન હેઠળ થયું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ઓફિસર રાકેશ ઠક્કર સાથે સમાજ સંગઠક વીણા કહાર તથા સિટી મેનેજર કૃતિકા ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
