વલસાડમાં ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ 6 બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા

ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત રાજ્યની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યવ્યાપી ચલાવવામાં આવેલા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસે મોટી સફળતા મેળવી છે. આ વિશેષ અભિયાન દરમિયાન વલસાડ પોલીસે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ તા. 3 જૂન, 2026ની મધ્યરાત્રિથી સમગ્ર ગુજરાતમાં આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય હેતુ રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા અને આંતરિક સુરક્ષા માટે જોખમરૂપ વિદેશી નાગરિકોને શોધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો હતો.
સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહના સુપરવિઝન હેઠળ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. વલસાડ પોલીસની ટેકનિકલ એનાલિસિસ ટીમે 500થી વધુ વ્યક્તિઓનો ડેટા ચકાસ્યો હતો, જ્યારે 1,000થી વધુ મોબાઇલ નંબરો, IP એડ્રેસ અને મોબાઇલ ડિવાઇસનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
આ અભિયાન માટે વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો તથા પસંદગીના અધિકારીઓ કર્મચારીઓ મળીને કુલ 22 સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ વલસાડ ઉપરાંત દમણ, સેલવાસ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં રાત્રિભર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 1,000થી વધુ લોકોનું ફિઝિકલ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 50થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી.
સઘન તપાસના અંતે 6 બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોવાનું સામે આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને તેમના દેશમાં પરત મોકલવાની (ડિપોર્ટ) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
વલસાડ પોલીસે જણાવ્યું છે કે રાજ્યની સુરક્ષા અને શાંતિને જોખમમાં મુકતા ગેરકાયદેસર તત્વો સામે આવી ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!