ગુજરાત એલર્ટ | નવસારી
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ‘વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ’ના મંત્ર સાથે સુશાસનના ૧૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક અવસરને લોકભાગીદારીના ઉત્સવરૂપે ઉજવવા તથા વિકાસયાત્રાના વિવિધ આયામોને જનજન સુધી પહોંચાડવાના હેતુથી આજે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સીમળ ગામ સ્થિત વન કવચ ખાતેથી ‘પ્રગતિપથ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાજ્યસભાના સાંસદશ્રી ગોવિંદભાઈ ધોળકિયા તથા જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી. પટેલની ઉપસ્થિતિથી ‘પ્રગતિપથ યાત્રા’માં વિશેષ ઉત્સાહ અને ઉમંગનો માહોલ સર્જાયો હતો. બંને આગેવાનોએ યાત્રામાં સહભાગી બની સ્થળોની મુલાકાત લઈ સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. તેમની ઉપસ્થિતિથી પદાધિકારીઓ તેમજ સ્થાનિક નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને ગુજરાતના વિકાસની ગૌરવગાથા તથા જનકલ્યાણના સંદેશને જનજન સુધી પહોંચાડવાના સંકલ્પને વધુ વેગ મળ્યો હતો.
‘પ્રગતિ પથ યાત્રાના પ્રથમ તબક્કામાં સીમળ ગામના ‘વન કવચ’ની મુલાકાત લઈ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને હરિત આવરણ વધારવા માટે હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ અંગે મહાનુભાવોએ વિગતો મેળવી હતી. વનવિભાગના અધિકારીઓ દ્વારા હરિત ગુજરાતના નિર્માણમાં આવા પ્રયાસોની ભૂમિકા અંગે માર્ગદર્શન અપાયું હતું.
ત્યારબાદ યાત્રા એરુ ગામ ખાતે આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટીના બાંબુ રિસર્ચ સેન્ટર ખાતે પહોંચી હતી. અહીં બાંબુના વૈજ્ઞાનિક સંશોધન, તેની વિવિધ જાતો, કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે તેના ઉપયોગ તેમજ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે હાથ ધરવામાં આવતી સંશોધનાત્મક પ્રવૃત્તિઓ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
યાત્રા દરમિયાન મટવાડ ગામ ખાતે આવેલા શહીદ સ્મારકની મુલાકાત લઈ દેશની આઝાદી અને રાષ્ટ્રસુરક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
યાત્રા દાંડી ખાતે આવેલા ઐતિહાસિક રાષ્ટ્રીય સત્યાગ્રહ સ્મારક ખાતે પહોંચીને મહાત્મા ગાંધીજીના દાંડીકૂચના ઐતિહાસિક પ્રસંગ અને સ્વાતંત્ર્ય સંગ્રામના ગૌરવશાળી ઇતિહાસ અંગે અધિકારીઓ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ મુલાકાતે સ્વાતંત્ર્ય ચળવળના મૂલ્યો અને રાષ્ટ્ર નિર્માણમાં ગાંધી વિચારધારાના મહત્વને ઉજાગર કર્યું હતું.
યાત્રાના અંતિમ તબક્કામાં આટગામ ખાતે નિર્માણાધીન આધુનિક મેડિકલ કોલેજની મુલાકાત લેવામાં આવી હતી. આ આરોગ્ય સંસ્થાની સુવિધાઓ, આધુનિક માળખાકીય વ્યવસ્થા અને ભવિષ્યમાં દક્ષિણ ગુજરાતના આરોગ્ય ક્ષેત્રને મળનારી નવી દિશા અંગે સંબંધિત અધિકારીઓ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
યાત્રા દરમિયાન દરેક સ્થળે સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા વિશેષ સમજણ સત્રો યોજી વિકાસલક્ષી કાર્યો, યોજનાઓ અને તેના સામાજિક પ્રભાવ અંગે માહિતીસભર રજૂઆતો કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વિકાસ અને જનકલ્યાણની દિશામાં થયેલી સિદ્ધિઓને વધુ મજબૂત બનાવવા સૌના સહયોગની આવશ્યકતા વ્યક્ત કરી હતી.
‘પ્રગતિપથ યાત્રા’ માત્ર સ્થળ મુલાકાત પૂરતી સીમિત ન રહી, પરંતુ ‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક સક્રિય જનજાગૃતિ અભિયાન તરીકે ઉપસી આવી હતી. ગુજરાતના વિકાસની ગૌરવગાથા અને ગામે ગામ પ્રગતિનો સંદેશ પહોંચાડતી આ યાત્રાએ વિકાસ, એકતા, રાષ્ટ્રગૌરવ અને જનભાગીદારીના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, નાયબ કલેકટરશ્રી શિવરાજ ખુમાણ, મામલતદારશ્રી મૃણાલ ઇસરાની, જલાલપોર તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા તથા તાલુકા પંચયાતના સભ્યો, સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા.
