બુકે નહીં, નોટબુક! વલસાડ જિ.પં.ના નવા પ્રમુખ હેતલબેનની અનોખી પહેલ: શુભેચ્છા સ્વરૂપે મળનારી તમામ નોટબુક્સ જિલ્લાના જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ હેતલબેન જીતેશભાઈ પટેલે પદભાર સંભાળતા જ એક અનોખી અને સમાજને પ્રેરણા આપે તેવી પહેલ કરી છે. સામાન્ય રીતે રાજકીય અને જાહેર કાર્યક્રમોમાં શુભેચ્છા રૂપે આપવામાં આવતા પુષ્પગુચ્છ (બુકે)ના બદલે તેમણે “નોટબુક” સ્વીકારવાનો આગ્રહ રાખી શુભેચ્છાને સેવાકીય અભિયાનમાં ફેરવી દીધી હતી.

ગતરોજ સર્વાનુમતે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયેલા હેતલબેન પટેલે આજરોજ વલસાડ જિલ્લા પંચાયત કચેરી ખાતે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો. બપોરે ૧૨.૩૯ કલાકે વિજયી મુહૂર્તમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે તેમણે પ્રમુખપદની ખુરશી ગ્રહણ કરી જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે લોકસભાના દંડક તથા વલસાડ-ડાંગ વિસ્તારના સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત પરિવારજનો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ હેતલબેન પટેલને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
પરંતુ સમગ્ર કાર્યક્રમમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો હતો તેમનો સેવાકીય અને સંવેદનશીલ અભિગમ. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના પ્રેરક સેવાકીય પ્રયોગોથી પ્રેરાઈ હેતલબેન પટેલે કાર્યકરો, આગેવાનો, સ્નેહીજનો અને નાગરિકોને સ્પષ્ટ અપીલ કરી હતી કે તેઓ બુકેના બદલે માત્ર નોટબુક જ આપે.
તેમણે જણાવ્યું હતું કે શુભેચ્છા સ્વરૂપે મળનારી તમામ નોટબુક્સ જિલ્લાના જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે, જેથી શિક્ષણ ક્ષેત્રે નાનું પરંતુ મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય. રાજકીય કાર્યક્રમને સામાજિક જવાબદારી સાથે જોડતી આ પહેલને ઉપસ્થિત તમામ મહાનુભાવો અને કાર્યકરોએ બિરદાવી હતી.
કાર્યક્રમ દરમિયાન ચૂંટાયેલા અનેક સભ્યો તથા સંગઠનના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો, ચૂંટાયેલા સભ્યો અને શુભચિંતકોએ હાજરી આપી હેતલબેન પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી.
વલસાડ જિલ્લામાં “બુકે નહીં, નોટબુક”નો આ સંદેશ હવે એક નવી સામાજિક ચળવળનું સ્વરૂપ લે તેવી ચર્ચા રાજકીય અને સામાજિક વર્તુળોમાં શરૂ થઈ છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!