ગુજરાત એલર્ટ | વલસાડ
શ્રી વનરાજ આટ્રર્સ એન્ડ કોમર્સ કોલેજ, ધરમપુરના ગુજરાતની વિષયના અધ્યાપિકા ડૉ. મીતાબેન ઠાકોરલાલ પારેખના નિવૃત્તિ વિદાયમાન સમારોહમાં રંગપૂજા થીયેટર્સના પ્રમુખ શ્રી સતીષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વયમર્યાદાના કારણે દરેક શિક્ષક નિવૃત્ત તો થતા હોય છે. પરંતુ તેમાંથી વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા શિક્ષકની શૈક્ષણિક યાત્રા પ્રેરણાદાયી હોય છે. ડૉ. મીતાબેન પારેખની શિક્ષણયાત્રા સ્મરણયાત્રાનું પુસ્તક બની રહે એવી છે.
આંતરદ્રષ્ટિના અજવાળે તેમણે વિદ્યાર્થી જીવનમાં યુનિવર્સિટીમાં અનેક ગોલ્ડ મેડલ મેળવ્યા છે. શૈક્ષણિક અને શિક્ષણેતર ક્ષેત્રે તેની કોલેજમાંની અમૂલ્ય અને માર્ગદર્શક સેવાનો હું સાક્ષી છું. તેમનું નિવૃત્તિ જીવન પણ પ્રવૃત્તિશીલ બની રહેશે એવો મને વિશ્વાસ છે.
બી. કે. એમ. સાયન્સ કોલેજ વલસાડના નિવૃત્ત પ્રોફેસર અને તેમના ગુરૂબંધુ પ્રા. કમલેશ પારેખે જણાવ્યું હતું કે ભગવાન વ્યક્તિના જીવનમાં એક માર્ગ બંધ કરે તો અનેક માર્ગો ખોલી આપે છે. ડૉ. મીતાબેન પારેખની વિદ્યાર્થી અવસ્થામાં દ્રષ્ટિ ઝાંખી થઈ પરંતુ તેમણે હિંમત હાર્યા વગર શિક્ષક માતા પિતાની સખત મહેનતથી સફળતાના સર્વોચ્ચ શીખરે પહોંચ્યા હતા. અધ્યાપન કાર્યમાં વિદ્યાર્થીના માનીતા બન્યા હતા. પારેખ સમાજના ખ્યાતનામ ડોકટર જનક પારેખે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે ડૉ. મીતાબેન પારેખનું જીવન જ એક પુસ્તક છે. જેમાના દરેક પ્રકરણો મોટીવેશનલ છે. જે સમાજનું ગૌરવ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના પૂર્વ ગર્વમેન્ટ નોમીની સિન્ડીકેટ સભ્ય અને પૂર્વ આયાર્ય યોગેશકુમાર ભટ્ટે જણાવ્યું કે શિક્ષક કદી નિવૃત્ત થતો નથી. સદા સર્વદા પ્રવૃત્ત રહે છે.
સેવા અભિવાનદ સમારોહની શરૂઆત ગણેશ વંદના થી થઈ હતી. મહેમાનોના શાબ્દિક અને પુષ્પગૃચ્છથી સ્વાગત કર્યા બાદ સેવા નિવૃત્ત ડૉ. મીતાબેન પારેખે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે કુટુંબ સમાજ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગ વિના શૈક્ષણિક સિદ્ધિના શીખરે પહોંચવું દુષ્કર છે. શિક્ષણકાર્યમાં સંસ્થાના પ્રમુખ. આચાર્ય, સહકર્મચારીના પ્રોત્સાહક અભિગમથી શિક્ષક શૈક્ષણિક સફળતાની સીડી ચઢી રાષ્ટ્રવિકાસ ધારામાં ગતિવર્ધક યોગદાન આપી શકે છે.
ડૉ. વી. ડી. પટેલે જીવન ઝાંખી રજૂ કરી હતી. ડૉ. પારૂલબેન દેસાઈ, પ્રા. વર્ષા પટેલ, વલસાડ દમણિયા સોની સમાજના પ્રમુખ શ્રી સૌરવ પારેખ, શ્રીમતી ફાલ્ગુનીબેન પારેખ, શ્રી વારિજ પારેખે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સંગીતકાર શ્રી નીતિન પટેલ શ્રી દેવશભાઈએ ભાવનાત્મક ગીતો રજૂ કર્યા હતા. સમારોહમાં મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ, બૌદ્ધિકો, વિદ્યાર્થીઓ, સ્વજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન રાજવી પટેલ, પ્રમિત પારેખ અને ઋજુતા પારેખે કર્યું હતું.
