ગુજરાત એલર્ટ | વલસાડ
સુરત શહેરના આંગણે તા. ૧લી મે, ‘ગુજરાત ગૌરવ દિવસ’ની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં આત્મનિર્ભર ભારત પર વિશેષ ભાર મુકાઈ રહ્યો છે ત્યારે ગામડાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તો દેશ પણ આત્મનિર્ભરતાની દિશામાં તેજ ગતિથી આગળ વધી શકે છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું હતું કે, સાચું ભારત ગામડામાં વસે છે. જો ગામડા આર્થિક રીતે સક્ષમ, સ્વાવલંબી અને સ્વચ્છ બનશે, તો જ દેશનો સાચો વિકાસ થશે. ગાંધીજીની વાતને સાર્થક કરતા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના એવા ગામડાઓની વાતો કરવા જઈ રહ્યા છે કે જેના ખેડૂતોએ રાજય સરકારના બાગાયત વિભાગની કાચા મંડપ યોજનાનો લાભ લઈ ગામડાની કાયાપલટ કરી બાગાયતી પાકની ખેતીથી ગામડાના અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે.

રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ આપવા, સ્થાનિક વિકાસને પ્રોત્સાહન આપવા, રોકાણ આકર્ષવા અને નવા અવસર ઊભા કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાતી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ગૌરવશાળી અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં રાજ્યમાં ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી ધરમપુર અને કપરાડા તાલુકાની વાત કરીએ તો, બાગાયતી પાક દ્વારા ખેડૂતો આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે. જેમાં રાજ્ય સરકારની કાચા મંડપની યોજનાથી ખેડૂતોનું નસીબ ચમક્યુ છે. છેલ્લા પાંચ વર્ષમાં ૨૦૦૦૦થી વધુ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવી આર્થિક ઉન્નતિના દ્વાર ખોલ્યા છે.

ધરમપુરના આવધા ગામના ખેડૂત ગોપાલભાઈ જાન્યાભાઈ કુંવરે જણાવ્યું કે, પહેલા અમે ગમે તેમ ખેતી કરતા હતા પરંતુ બાગાયત ખાતાના અધિકારીઓએ ગામમાં મુલાકાત કરી પધ્ધતિસર ખેતી કરવા માટે સમજણ આપી સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માર્ગદર્શન આપ્યુ હતું. આજે આવધા સહિત રાજપુરી, સિદુમ્બર, ગોરખડા, હનુમતમાળ અને કાંજણપાડા સહિતના અનેક ગામોમાં આજે ૧૦૦૦થી વધુ ખેડૂતો કાચા મંડપ યોજનાથી એટલા સમૃધ્ધ બન્યા કે, પાકુ ઘર બનાવ્યું, બાળકોને ભણાવ્યા, બાઈક અને કાર ખરીદી આર્થિક રીતે સમૃધ્ધ જીવન જીવી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે વર્ષે રૂ. ૪ થી ૫ લાખની આવક થઈ રહી છે. રાજ્ય સરકારની આ કાચા મંડપ યોજનાથી ગામડાનું અર્થતંત્ર પણ મજબૂત બન્યુ છે. કપરાડા તાલુકામાં પણ ખડકવાળ, રોહિયાળતલાટ, ચાંદવેગણ, ચાવશાળા, વરવઠ, કરજુન અને વેરીભવાડા ગામમાં અનેક ખેડૂતોએ આ યોજનાના લાભથી જીવન બદલ્યુ છે.

ધરમપુરના આવધા ગામના ખેડૂત અશ્વિનભાઈ આર દળવીએ કહ્યું કે, મારી સાડા ત્રણ એકર જમીનમાં કાચા મંડપ યોજના હેઠળ ટિંડોળા અને પરવળની ખેતી કરી છે. મહિને રૂ. ૨૦૦૦૦ થી ૨૫૦૦૦ સુધીની આવક મળે છે. મહિનામાં ચાર વાર પાક લઉં છું અને તેની નિકાસ મુંબઈમાં કરૂ છું. કાચા મંડપ યોજના હેઠળ પરવળ, ફડવળ, કાકડી, દુધી, કારેલા, ટીંડોળા, ગલકા અને તુરિયા સહિતની વેલાવાળા શાકભાજીની ખેતીમાં આખુ વર્ષ પાક લઈ શકાય છે. મંડપ તુટી ન જાય તો બીજા વર્ષે પણ પાક મળે છે.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)માં ખેતી ઉપર ભાર મુકાયો છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં સર્વાંગી વિકાસના મીઠા ફળ ખેડૂતોને મળી રહ્યા છે જેના કારણે તેના જીવનધોરણના સ્તરમાં પણ આમૂલ પરિવર્તન આવ્યુ છે.
ગામડામાં બાઈકની ખરીદી વધતા બે ઓટોમોબાઈલ્સ કંપનીએ સર્વે પણ કર્યોઃ નાયબ બાગાયત નિયામકશ્રી

વલસાડ જિલ્લાના બાગાયત કચેરીના નાયબ બાગાયત નિયામકશ્રી એન.એન.પટેલે જણાવ્યુ કે, ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવતી કાચા મંડપની યોજના વર્ષ ૨૦૦૭-૦૮માં અમલમાં મુકાઈ હતી. આ એવી યોજના છે કે, જેમાં ખેડૂતની આવક વધી જ છે, ખોટ નથી ગઈ. જેના કારણે ખેડૂતો સમૃધ્ધ બન્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આવધા સહિતના આસપાસના ગામોમાં બાઈકની ખરીદી વધતા બે ખાનગી ઓટોમોબાઈલ્સ કંપનીને સર્વે કર્યો હતો કે, આ ગામડાઓમાં આટલા બધા પ્રમાણમાં બાઈકની ખરીદી કેવી રીતે થઈ? જેમાં તારણ બહાર આવ્યું કે, કાચા મંડપ યોજનાથી ખેડૂતોની આવક વધતા તેઓ ખરીદી કરી શકયા હતા.
શું છે કાચા યોજના મંડપ યોજના

ગુજરાત સરકારના બાગાયત ખાતાની કાચા મંડપ ટામેટા/ મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ યોજનાની યુનિટ કોસ્ટ હેકટર દીઠ રૂ. ૫૨,૦૦૦ છે. સામાન્ય ખેડૂતને ખર્ચના ૫૦ ટકા મુજબ મહત્તમ રૂ. ૨૬૦૦૦/ હે. સહાય, અનુ.જાતિ તથા અનુ.જનજાતિના ખેડૂતોને ખર્ચના ૭૫ ટકા મુજબ મહત્તમ રૂ. ૩૯,૦૦૦/ હે. સહાય, દેવીપૂજક લાભાર્થીને ખર્ચના ૯૦ ટકા મુજબ મહત્તમ રૂ. ૪૬,૮૦૦/ હે. સહાય અને આજીવન એકવાર ખાતા દીઠ વધુમાં વધુ ૨.૦ હે.ની મર્યાદમાં સહાય મળે છે. કાચા મંડપ માટે લાકડા/વાંસના ટેકા, જીઆઈ વાયર અને પ્લાસ્ટીક વાયરનો ઉપયોગ કરવાનો રહેશે. આ યોજનામાં ૦.૧૦ હે.વાવેતર વિસ્તારથી ૨.૦ હેક્ટર વિસ્તાર માટે સહાય મળવાપાત્ર રહેશે.
