વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુનની તૈયારી અંગે બેઠક મળી

ગુજરાત એલર્ટ | વલસાડ
આગામી દિવસોમાં ચોમાસાની મોસમ નજીક આવી રહી હોવાથી અગમચેતીના ભાગરૂપે વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પ્રિ- મોન્સુન તૈયારી અંગેની બેઠક મળી હતી. જેમાં કલેકટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
પ્રિ-મોન્સુન તૈયારી અંગેની બેઠકમાં કલેકટરશ્રી ભવ્ય વર્માએ પ્રિ-મોન્સુન અંગેની કામગીરી સુવ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે ચાલુ માસમાં કુલ ચાર મીટિંગો કરવામાં આવશે એવુ જણાવ્યું હતું. જિલ્લાના દરેક તાલુકામાં આવેલી નદીઓને અસરગ્રસ્ત જે ગામો હોય તેનું લિસ્ટ બનાવી જે તે ગામના સરપંચ – તલાટી અને સ્કૂલના આચાર્યના નામ અને મોબાઈલ નંબર સાથેનું લિસ્ટ બનાવવાનું રહેશે જેથી સ્થળાંતર કરવાની સ્થિતી આવે તો સરળતાથી સંકલન થઈ શકે. નદી પાસેના જે ગામોમાં હોય તે ગામના તરવૈયાઓની માહિતી પણ તૈયાર રાખવી પડશે. ડૂબાણમાં જતા દરેક કોઝવે આઈડેન્ટીફાઈ કરવાના રહેશે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં કોઈ એનજીઓ કાર્યરત હોય તો તેના પણ સંપર્ક નંબર સહિતની માહિતી તૈયાર રાખવાની રહેશે. પૂર સમયે બોટ ચાલુ કન્ડિશનમાં હોય તેની ચકાસણી કરી લેવી, કંટ્રોલ રૂમ ચાલુ રહેવા જોઈએ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન ક્લિન હોવી જોઈએ, ભયજનક વૃક્ષોનું કટીંગ, દવાનો સ્ટોક, સર્પદંશના બનાવમાં દવા-ઈન્જેક્શન, કલોરીનેશનનો સ્ટોક તૈયાર રાખવાનો રહેશે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ તો અગાઉથી એલર્ટ કરાઈ તે માટે હુટર(સાયરન)ની વ્યવસ્થા સહિત વિવિધ પાસાઓ અંગે કલેકટરશ્રીએ દિશા નિર્દેશ કર્યા હતા.
આ બેઠકમાં ડિઝાસ્ટર મામલતદારશ્રી એચ.એચ.કાકલોતરે વિવિધ વિભાગની કામગીરી અંગે પ્રેઝન્ટેશન આપી તાલુકાના તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન/ વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન/ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તા. ૧૫/૦૫/૨૦૨૬ સુધીમાં સરકારશ્રીના સ્ટેટ ડિઝાસ્ટર રિસોર્સ નેટવર્ક ઉપર અપડેટ કરવા જણાવ્યું હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજા તેમજ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!