ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “હેલ્થ, વેલ્થ અને હેપીનેસ” ના મંત્ર સાથે તાલુકા સ્તરે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 26 એપ્રિલ, 2026 ના રોજ વલસાડના તીથલ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલી આ શિબિર શ્રીમતી પ્રીતિબેન પાંડે (ઝોન કોર્ડિનેટર) ની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

કાર્યક્રમની શરૂઆત વૈદિક પરંપરા મુજબ મહાનુભાવોના હસ્તે દીપ પ્રજ્વલન કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે ભીડભંજન મહાદેવ મંદિરના મહંત શ્રી શિવજી મહારાજ, ઉમા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન પ્રજાપતિ, અખિલ હિન્દ મહિલા પરિષદ પાર્ટીના પ્રમુખ મીનાબેન, રણભૂમિના ફાઉન્ડર કેયુરભાઈ, પતંજલિ દક્ષિણ ગુજરાત પ્રભારી તનુજાબેન, પૂર્વ કોઓર્ડિનેટર નિલેશભાઈ કોષીયા તેમજ પતંજલિના જિલ્લા પ્રભારી મીનાબેન તોલાની ઉપસ્થિત રહ્યા હતા.

દીપ પ્રજ્વલન બાદ યોગ શિબિરની શરૂઆત કરવામાં આવી જેમાં આસન, પ્રાણાયામ, ધ્યાન અને યોગ બોર્ડના ટ્રેનર બનવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રેક્ટિકલ સત્ર પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હેઠળ યોગ કક્ષાઓ ચલાવતા યોગ કોચ અને ટ્રેનરોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ કામગીરી બદલ પાંચ ભાઈઓને ભાવના હેન્ડલુમ તરફથી શાલ ઓઢાવી સન્માનિત કરવામાં આવ્યા, જ્યારે પાંચ બહેનોને “7-કલર્સ” ના માલિક અનુબેન મોદી દ્વારા બ્રાન્ડેડ કુર્તી આપી સન્માનિત કરવામાં આવી હતી.

શિબિરમાં ભાગ લેનાર તમામ માટે સોશિયલ ફોરેસ્ટ્રી ડિવિઝન, વલસાડ રેન્જ તરફથી વૃક્ષારોપણ માટે છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્કર્ષ મહિલા એસોસિએશનના પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન પ્રજાપતિ દ્વારા તમામ યોગ કોચ અને ટ્રેનરોને વર્મી કમ્પોસ્ટ ખાતરની થેલીઓ આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, વલસાડ તથા આયુર્વેદ દવાખાનું કોસંબા દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારતી ઔષધિઓ, અમૃત પેય અને આરોગ્ય જાગૃતિ માટેના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે જિલ્લા કો-ઓર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન વૈષ્ણવ દ્વારા આભારવિધિ રજૂ કરવામાં આવી હતી. અંતમાં યોગ બોર્ડના ટ્રેનરો દ્વારા તમામ ઉપસ્થિતો માટે નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર જોડાયા હતા.
