ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વાપી શહેરમાં મતદાન જાગૃતિને એક લોકોત્સવનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી તંત્ર તથા શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયત્નોથી ભવ્ય બાઈક રેલી અને સર્જનાત્મક સ્ટ્રીટ પ્લેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકશાહીના પર્વને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા SVEEP નોડલ અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી એ. એલ. ટંડેલના પ્રેરક માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત રીતે યોજાયો હતો. તેમની દૃઢ આગેવાની હેઠળ આ અભિયાન માત્ર જાગૃતિ પૂરતું નહીં પરંતુ જનભાગીદારીનો જીવંત ઉત્સવ બની રહ્યો હતો. બાઈક રેલીનો પ્રારંભ દેસાઈ એન.ડી.એન. હાઈસ્કૂલ, વાપીથી કરવામાં આવ્યો હતો. આ રેલી શહેરના છીરી, છરવાડા, રેલવે સ્ટેશન અને ગુંજન જેવા વિસ્તારોમાં સંગઠિત રીતે ફરી, જ્યાં “મારો મત – મારો અધિકાર”ના નારા સાથે સમગ્ર વાતાવરણ લોકશાહી રંગે રંગાઈ ગયું હતું. આ કાર્યક્રમની વિશેષતા તરીકે વિદ્યાર્થીઓ દ્વારા અંબે માતા વિસ્તાર, ગુંજન વિસ્તાર અને વાપી રેલવે સ્ટેશન ખાતે પ્રસ્તુત કરાયેલા જીવંત અને અસરકારક સ્ટ્રીટ પ્લેએ નાગરિકોના મનને સ્પર્શી લીધા હતા. આ પ્રસ્તુતિઓએ મતદાનના મહત્વને સરળ અને હૃદયસ્પર્શી રીતે રજૂ કરી લોકોમાં જાગૃતિનો નવો ઉમંગ જગાવ્યો હતો.

આ ઉજવણીમય અભિયાનમાં ૪૦૦થી વધુ શિક્ષકોએ ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ખાસ કરીને વાપી શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોની સક્રિય ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવમય બનાવ્યો હતો. શિક્ષકોએ લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા મતદાન જાગૃતિનો સંદેશ વ્યાપક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

રેલીને જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી એ. એલ. ટંડેલ, વાપીના મામલતદાર શ્રી કાંતિભાઈ કાતરિયા તથા મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી તેજસ પટેલ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓએ મતદાનને લોકશાહીનો પવિત્ર ઉત્સવ ગણાવી તેમાં દરેક નાગરિકની ભાગીદારીને અનિવાર્ય ગણાવી હતી. આ અભિયાન દરમિયાન નાગરિકોને મતદાનના અધિકાર સાથે તેની જવાબદારીનું પણ સ્મરણ કરાવવામાં આવ્યું હતું અને આવનારી ચૂંટણીમાં નિર્ભય, નિષ્પક્ષ અને જાગૃત રીતે મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

જિલ્લા તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવા જ જનઉત્સાહભર્યા કાર્યક્રમો યોજી મતદાન જાગૃતિને વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ નાગરિકોને લોકશાહીના આ પવિત્ર ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી “મારો મત – મારો અધિકાર”ના સંદેશને સાકાર બનાવવા અપીલ કરાઈ હતી.
