ગુજરાત એલર્ટ | વલસાડ
શ્રી રામકૃષ્ણ – વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ, ધરમપુરના ઉપક્રમે નવનિર્મિત શ્રી રામકૃષ્ણ મંદિરનું ઉદ્ઘાટન તથા લોકાર્પણ સમારોહ આગામી ૧૯મી એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ અક્ષય તૃતીયાના પાવનદિને શ્રી રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ, વારાણસીના અધ્યક્ષ શ્રીમત સ્વામી વિશ્વાત્માનંદજી મહારાજના વરદહસ્તે સંપન્ન થશે, જે ધરમપુર નગર માટે આધ્યાત્મિક ધરોહરનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.

આ પાવન દિને આયોજિત વિવિધ કાર્યક્રમોની વિગત મુજબ, રવિવારે સવારે ૭:૩૦ કલાકે મંદિરનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવશે, ત્યારબાદ સવારે ૮:૦૦ વાગ્યાથી વૈદિક- શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અને હવન. સવારે ૯:૩૦ કલાકે મંદિરના ઉદ્ઘાટનના ઉપલક્ષ્યમાં એક ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રામકૃષ્ણ મઠો અને આશ્રમોના વિદ્વાન સન્યાસીઓ પ્રેરક ઉદબોધન આપશે. કાર્યક્રમના અંતે બપોરે ૧૨:૧૫ કલાકે ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
સવારે ૯:૩૦ કલાકે મંદિરના ઉદ્ઘાટનના ઉપલક્ષ્યમાં એક ભવ્ય જાહેર સભાના ગરિમામય સમારોહમાં આધ્યાત્મિક જગતના શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ધરમપુરના સ્થાપક પૂજ્ય શ્રી રાકેશભાઈ ઝવેરી, શ્રી રામકૃષ્ણ મિશનના સ્વામી નિખિલેશ્વરાનંદજી (રાજકોટ), સ્વામી આત્મદિપાનંદજી (પોરબંદર), સ્વામી સુખાનંદજી (ભુજ), સ્વામી પ્રભુસેવાનંદજી (અમદાવાદ), સ્વામી ગુણાશ્રેયાનંદજી (લીંબડી), સ્વામી સેવાવ્રતાનંદજી (બિલાસપુર), સ્વામી ઈષ્ટમયાનંદજી (વડોદરા) અને સ્વામી મંત્રેશાનંદજી (આદિપુર) સહિતના સન્યાસીવૃંદો – સંતો આ પાવન પ્રસંગે પ્રેરક ઉદબોધન કરશે, શ્રી રામકૃષ્ણ – વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ટ્રસ્ટના પ્રમુખ ગિરીશભાઈ સોલંકી દ્વારા સૌ ભક્તોને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપ્યું છે.
