ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તા. ૨૬ એપ્રિલને રવિવારના રોજ યોજાનાર છે ત્યારે આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એવા શુભ આશય સાથે મતદાન પ્રત્યે મતદારોમાં જાગૃતિ વધારવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ભવ્ય વર્માના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર તથા શિક્ષણ વિભાગ દ્વારા વિશાળ સ્તરે મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાનના ભાગરૂપે આજે ગુરૂવારે જિલ્લામાં કુલ ૨૯૨ શાળાઓમાં મતદાન જાગૃતિ માટે શપથવિધિ યોજાઈ હતી, જેમાં કુલ ૨૩,૭૪૪ વિદ્યાર્થીઓ, ૨,૯૭૫ શિક્ષકો તથા ૧,૮૬૦ વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મતદાન અંગે શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ મારફતે તેમના વાલીઓ તથા સમાજના અન્ય નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મહત્વનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ તથા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકારી, અનુદાનિત, બિન અનુદાનિત તેમજ આદિજાતિ સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને આ અભિયાનમાં સક્રિય રીતે જોડવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મતદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને “મતદાન કરવું એ આપણો અધિકાર જ નહીં પરંતુ ફરજ પણ છે” ના સંદેશ સાથે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના પરિવારજનો તથા આસપાસના લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ મતદાન જાગૃતિ માટે રેલી, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, સોશિયલ મીડિયા અભિયાન તથા જનસંપર્ક કાર્યક્રમો હાથ ધરાશે. જેથી વધુમાં વધુ નાગરિકો સુધી અવશ્ય મતદાન કરવાનો સંદેશ પહોંચી શકે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને અનુરોધ કરવામાં આવે છે કે, તેઓ લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા આવનારી ચૂંટણીમાં નિષ્ઠાપૂર્વક અને નિર્ભયતાથી મતદાન કરે. આવા સંકલિત અને સકારાત્મક પ્રયાસો દ્વારા “મારો મત – મારો અધિકાર” તથા “સક્રિય નાગરિક – મજબૂત લોકશાહી” જેવા સંદેશને વેગ આપવામાં આવી રહ્યો છે.
