ગુજરાત એલર્ટ | વલસાડ
પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો લોકો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થાય, ભોજનમાં જાડા, બરછટ અનાજનું નિયમિત સેવન કરે તેવા આશયથી રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા.૨૧ અને ૨૨ માર્ચ દરમિયાન વાપી ખાતે આયોજિત વલસાડ જિલ્લાકક્ષાના ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’ને નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખૂલ્લો મૂકાયો હતો.

મંત્રીશ્રીના હસ્તે આંગળવાડીના બાળકોને મિલેટ્સ ટોપલી અને ખેડૂતોને સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ મહોત્સવને ખુલ્લો મુકી વિવિધ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના આદિવાસી વિસ્તારોમા ભ્રમણ કરી તેમના અભુભવો દ્વારા અદિવાસી જીવનને ઉત્કૃષ્ટ બનાવવા પ્રયત્નો કર્યા છે. પહેલા નાગલી કે જુવાર માત્ર ગરીબોનું ભોજન ગણાતું હતું પરંતુ હવે મિલેટ્સના ફાયદાઓના પ્રચાર દ્વારા શહેરી નાગરિકો પણ નાગલી – જુવાર અને અન્ય મિલેટ્સ ભોજનમાં આરોગી રહ્યા છે. વિશ્વ મિલેટ્સ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રીશ્રી સારૂ સ્વાસ્થ્ય જાળવવા મિલેટ્સને વધુ પ્રાધન્ય આપવા પ્રોત્સાહન આપી રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રી પણ મિલેટ્સના પ્રચાર દ્વારા સમગ્ર ગુજરાતમાં જાડા ધાન્યના ઉપયોગ માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કરે છે જેથી લોકોનું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે. ગુજરાત સરકાર ગાય અધારિત ખેતીને વધારવા માટે ખેડૂતોને ગાય નિભાવ ખર્ચની સહાય પણ આપે છે.

ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. કાર્યક્રમમાં કલેક્ટરશ્રી ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી સોનલ સોલંકી, તાલુકા અને શહેર સંગઠનના પ્રમુખ પુનિત પટેલ, સમય પટેલ અને મનીષ દેસાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી અરૂણ ગરાસિયા, સંબંધિત વિભાગ અધિકારી – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
