ગુજરાત એલર્ટ | વલસાડ
રાજયના આદિજાતિ વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી અને વલસાડ જિલ્લા પ્રભારીશ્રી નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી.
બેઠકના અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રીએ વલસાડ જિલ્લાના ૬ તાલુકા માટે ૧૫ ટકા વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂા. ૧૧.૫૦ કરોડના ૬૧૨ કામોને મંજૂરી આપી હતી. વર્ષઃ ૨૦૨૩-૨૪ થી ૨૦૨૫-૨૬ દરમિયાન મંજૂર કરવામાં આવેલા કામોની પ્રગતિની સમીક્ષા હાથ ધરી હતી. જેમાં જે કામો હજુ પ્રગતિ હેઠળ છે તેવા કામો જલદી સમય મર્યાદામાં પૂર્ણ કરવા આ તબક્કે મંત્રીશ્રીએ જણાવ્યું હતું. વર્ષઃ ૨૦૨૬-૨૭ માટે મંજૂર થયેલા કામોમાં તાલુકા મુજબ ધરમપુરમાં ૨૫૦ લાખના ૮૯ કામો, કપરાડામાં ૨૦૦ લાખના ૧૬૧ કામો, પારડીમાં ૧૫૦ લાખના ૬૩ કામો, ઉમરગામના ૨૦૦ લાખના ૮૨ કામો, નાનાપોંઢામાં ૧૫૦ લાખના ૧૦૪ કામો અને વલસાડમાં ૨૦૦ લાખના ૧૧૩ કામોનો સમાવેશ થાય છે.
મંત્રીશ્રીએ અમલીકરણ અધિકારીઓને આયોજન મુજબના તમામ કામો સમય મર્યાદામાં અને ગુણવત્તાવાળા કરવા માટે અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ આગામી ચોમાસા પહેલા પાણી પુરવઠાના કામો પૂર્ણ કરવા અને કોઇ વિસ્તારને પાણીની તંગી ન પડે તે ધ્યાન રાખવા જણાવ્યું હતું.
મંજૂર કરેલા કામોમાં ગ્રામ્ય રસ્તાઓ, ડામર રોડ, જાહેર શૌચાલયો, ગટરના કામો, પાણીના હેન્ડપંપ, મોટર, સ્ટ્રીટ લાઇટ જેવા કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જિલ્લામાં નગરપાલિકા કક્ષાએ રૂા ૧૨૫ લાખના ૧૧ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.જેમાં એસ. ટી. પી. ડામર રોડ, ડસ્ટબીન, આર. સી. સી. રોડ વગેરે જેવા કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ બેઠકમાં વલસાડ, ધરમપુર અને કપરાડાના ધારાસભ્યો સર્વેશ્રી ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, જીતુભાઇ ચૌધરી, જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્મા, ઇનચાર્જ પ્રાયોજના વહીવટદારશ્રી પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા આયોજન અધિકારીશ્રી ભરતભાઇ પટેલ, વલસાડ અને ધરમપુરના પ્રાંત અધિકારીઓશ્રી વિમલ પટેલ અને આર. સી. પટેલ તેમજ જિલ્લાના સંબધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
