ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ નજીક અતુલ લિમિટેડ ખાતે તા. ૫ માર્ચના રોજ ૫૫મા રાષ્ટ્રીય સુરક્ષા દિવસની માસિક ઉજવણીનો ઉત્સાહભેર આરંભ કરવામાં આવ્યો હતો. સુરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં કંપની દ્વારા વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત કરવામાં આવી હતી.
આ વર્ષની ઉજવણીને સ્ત્રી સશક્તિકરણ સાથે જોડતાં કાર્યક્રમની શરૂઆત મહિલા કોન્ટ્રાક્ટર દ્વારા ધ્વજારોહણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ હાજર રહેલા તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર પ્રતિનિધિઓએ સુરક્ષા પ્રતિજ્ઞા લઈ કાર્યસ્થળ પર સલામતી જાળવવા માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કંપનીના પર્યાવરણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા વિભાગ દ્વારા “મારી સુરક્ષા મારા હાથમાં, હું પણ સેફ્ટી ઓફિસર” નામની વિશેષ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો. રાષ્ટ્રીય સુરક્ષા દિવસની આ વર્ષની થીમને અનુરૂપ સમગ્ર માસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજનમાં સ્લોગન સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, ઑનલાઇન ક્વિઝ સહિતની હરીફાઈઓ યોજાશે. ઉપરાંત નવતર પહેલ તરીકે આસપાસના ઉદ્યોગો સાથે સલામતી સંબંધિત વિચારો અને અનુભવના આદાન-પ્રદાન માટે “સંવાદ” કાર્યક્રમ પણ યોજવામાં આવશે.
કાર્યક્રમમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને સુરક્ષા સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાના દિશામાં સતત પ્રયાસો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
