શ્રીમતી જે. પી. શ્રોફ આર્ટ્સ કૉલેજ, વલસાડ ખાતે નેશનલ સેમીનાર યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષણ અભિયાન (રુસા), શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર તથા નૉલેજ કોન્સોર્ટિયમ ઑફ ગુજરાત, અમદાવાદ દ્વારા પ્રાયોજિત તથા શ્રી નૂતન કેળવણી મંડળ, વલસાડ સંચાલિત શ્રીમતી જે. પી. શ્રોફ આર્ટ્સ કૉલેજ, વલસાડના સંયુક્ત ઉપક્રમે “ભારતીય જ્ઞાન પ્રણાલી અને મૂલ્ય શિક્ષણ” વિષય ઉપર રાષ્ટ્રીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં આ વિષયને સર્વાંગી વિકાસ, નૈતિક શિક્ષણ, રાષ્ટ્રીય ગૌરવ અને સંસ્કૃતિના સંવર્ધન માટે વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ કમિશનર દિલીપભાઈ રાણા (આઈ.એ.એસ.) તથા નૉલેજ કોન્સોર્ટિયમ ઑફ ગુજરાતના જોઈન્ટ સી.ઈ.ઓ. ડૉ. યોગેશ યાદવની પ્રેરણાથી તથા સદર કૉલેજના આચાર્ય ડૉ. જી.એમ. બુટાણી તથા આઈ.કયૂ.એ.સી.સમિતિનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમીનારના પ્રારંભમાં મુખ્ય અતિથિ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા તથા વલસાડ – ડાંગના સાંસદ ધવલ પટેલે સેમિનારની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી નૂતન કેળવણી મંડળના મંત્રી કીર્તિભાઈ દેસાઈએ પોતાની ઉપસ્થિતિ દરમિયાન તેમનાં આશીર્વચન તથા અભિનંદન પાઠવ્યાં હતાં.

સેમીનારના મુખ્ય વક્તા તરીકે ગૌ વિશ્વ વિદ્યાપીઠ, ગાંધીનગરના અધિકારી ડૉ. હિતેશ જાનીએ વિષયાનુરૂપ ઉદ્બોધન કર્યું હતું. આ સેમીનારના વિષય નિષ્ણાંત તરીકે આર. જે. તિબ્રવાલ કૉમર્સ કૉલેજ, અમદાવાદના એસોસીએટ પ્રાધ્યાપક ડૉ. નિલેશ સૂચક તથા કચ્છ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ડૉ. કાંતિભાઈ ગોરે પોતાનાં મનનીય વક્તવ્યો આપ્યાં હતાં.

આ સેમીનારમાં વિવિધ રાજ્યોમાંથી આશરે 400 જેટલા પ્રતિનિધિઓ, પ્રાધ્યાપકો, સંશોધકો તથા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા અને પોતાના શોધપત્ર રજૂ કરેલ હતાં. શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે ઊંડાણપૂર્વક ચર્ચા અને વિચાર- વિમર્શ માટે આ સેમીનાર એક સશક્ત મંચ પૂરો પાડનારો સાબિત થયો હતો. અંતમાં આભાર વિધિ સાથે સેમિનારનું સફળ સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર સેમીનાર જ્ઞાનવર્ધક તથા પ્રેરણાદાયી સાબિત થયો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!