ગુજરાત એલર્ટ | વલસાડ
કલેકટર કચેરી, વલસાડ તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડના સંયુક્ત ઉપક્રમે વલસાડ જિલ્લામાં આવેલી તમામ સરકારી, અનુદાનિત તથા ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ–૧૦ અને ધોરણ–૧૨ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પૂર્વ માનસિક સહાય અને વિષયવાર શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે “આત્મવિશ્વાસ હેલ્પલાઇન”ની શરૂઆત કરવામાં આવી છે.
આ હેલ્પલાઇનનું ઉદઘાટન તા. ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના હસ્તે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પરીક્ષા સમયગાળા દરમિયાન સતત સહાય મળી રહે તે હેતુસર આ હેલ્પલાઇન ૧૮/૦૩/૨૦૨૬ સુધી કાર્યરત રહેશે.
આગામી ફેબ્રુઆરી–માર્ચ ૨૦૨૬ દરમિયાન યોજાનારી ધોરણ–૧૦ તથા ધોરણ–૧૨ની બોર્ડની જાહેર પરીક્ષાને ધ્યાને રાખી વિદ્યાર્થીઓમાં જોવા મળતા પરીક્ષા સંબંધિત તણાવ, ભય, ચિંતા, આત્મવિશ્વાસમાં ઘટાડો તથા હતાશા જેવી માનસિક પરિસ્થિતિઓ દૂર કરવી તેમજ વિદ્યાર્થીઓ તણાવમુક્ત અને હકારાત્મક મનોભાવ સાથે પરીક્ષામાં ભાગ લઈ ઉજ્જ્વળ સફળતા પ્રાપ્ત કરે તે મુખ્ય હેતુથી આ માનવસેવાની પહેલ હાથ ધરવામાં આવી છે.
“આત્મવિશ્વાસ હેલ્પલાઇન” અંતર્ગત વલસાડ સિવિલ હોસ્પિટલના અનુભવી માનસિક તજજ્ઞ ડૉ. વિરેન્દ્ર સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને માનસિક સલાહ, માર્ગદર્શન અને કાઉન્સેલિંગ આપવામાં આવશે. સાથે સાથે ધોરણ–૧૦ અને ધોરણ–૧૨ (સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ)ના કુલ ૫૬ વિષયોના અનુભવી વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિષયવાર અભ્યાસ યોજના, સંકલ્પના સ્પષ્ટતા, પ્રશ્નોત્તરી તથા પરીક્ષા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.
આ હેલ્પલાઇનની કામગીરી વધુ અસરકારક બને તે હેતુસર, સ્વેચ્છાએ જોડાયેલા તમામ વિષય નિષ્ણાત શિક્ષકોને તા. ૦૭/૦૧/૨૦૨૬ના રોજ વલસાડ સ્થિત આર.જે.જે. હાઈસ્કૂલ ખાતે માનસિક તજજ્ઞ ડૉ. વિરેન્દ્ર સોલંકી દ્વારા પરીક્ષા પૂર્વ માનસિક સહાય, વિદ્યાર્થીઓ સાથે સંવાદની પદ્ધતિઓ તથા તણાવ વ્યવસ્થાપન અંગે એકદિવસીય વિશેષ તાલીમ પણ આપવામાં આવી હતી.
આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલએ જણાવ્યુ હતું કે, પરીક્ષા માત્ર જ્ઞાનની નહીં પરંતુ માનસિક સ્થિરતા અને આત્મવિશ્વાસની પણ કસોટી છે. વિદ્યાર્થીઓ પર અનાવશ્યક દબાણ ન આવે અને તેઓ નિર્ભય અને આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી શકે તે હેતુથી ‘આત્મવિશ્વાસ હેલ્પલાઇન’ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ તથા વાલીઓએ કોઈપણ પ્રકારની શૈક્ષણિક કે માનસિક મૂંઝવણ માટે આ હેલ્પલાઇનનો નિઃસંકોચ સદુપયોગ કરવો જોઈએ.
આ હેલ્પલાઇન સાથે જોડાયેલા તમામ વિષય નિષ્ણાત શિક્ષકોની યાદી તેમના સંપર્ક નંબર સાથે તમામ શાળાઓને મોકલવામાં આવી છે તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી માહિતી પહોંચે તે હેતુસર શાળાના નોટિસ બોર્ડ પર પણ પ્રદર્શિત કરવામાં આવશે.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલ દ્વારા વલસાડ જિલ્લાના તમામ ધોરણ–૧૦ અને ધોરણ–૧૨ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને હૃદયપૂર્વક અપીલ કરવામાં આવે છે કે પરીક્ષા દરમિયાન શૈક્ષણિક કે માનસિક તણાવ, ભય અથવા સંશયની સ્થિતિમાં “આત્મવિશ્વાસ હેલ્પલાઇન”નો પૂરતો સદુપયોગ કરી યોગ્ય માર્ગદર્શન મેળવે, જેથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય અને તેઓ સફળતાની દિશામાં આગળ વધી શકે.
