વલસાડના નવરંગ ગ્રુપ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો બે દિવસીય ટેલેન્ટ ફેસ્ટિવલ પારડી ખાતે યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
‘‘આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત’’ના ગૌરવપૂર્ણ વારસાને જાળવી રાખવા માટે વલસાડના નવરંગ ગૃપ દ્વારા છેલ્લા ૨૬ વર્ષથી અનેકવિધ કલાઓને પ્લેટફોર્મ પુરૂ પાડી વલસાડનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળહળતુ કરવામાં આવ્યું છે. કલાક્ષેત્રે નોંધપાત્ર સિધ્ધિ મેળવનાર નવરંગ ગૃપ દ્વારા પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં બે દિવસીય નવરંગ ટેલેન્ટ ફેસ્ટિવલ સિઝન- ૧૦ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લા અને દેશના વિવિધ રાજ્યોમાંથી ૩૦૦ થી વધુ કલાકારોએ ધમાકેદાર પર્ફોમન્સ આપી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના કલાકારોનું હુનર લોકો સમક્ષ બહાર આવે તેવા શુભ આશય સાથે વલસાડના નવરંગ ગૃપ દ્વારા દર વર્ષે ટેલેન્ટ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રથમ દિવસે અમદાવાદ, મહેસાણા, બરોડા, મુંબઈ, જામનગર, ભાવનગર, કચ્છ ભૂજ અને આહવા ડાંગ સહિતના કલાકારોએ સિંગિગ અને ડ્રોઈંગ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો.

યુનેસ્કોમાં અમૂર્ત વારસા તરીકે સ્થાન મેળવનાર અને ગુજરાતની ધરોહર સમાન પ્રાચીનથી અર્વાચીન ગરબા સુરતની મહિલા કલાકારોએ રજૂ કરી સૌનું દિલ જીતી લીધું હતું. આ સિવાય ફેશન શો, ઈન્ડિયાઝ બેસ્ટ ટેલેન્ટ, ડાન્સ ઈન્ડિયા ડાન્સ અને મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ સ્પર્ધામાં બે દિવસ દરમિયાન ૩૦૦ થી વધુ કલાકારોએ એક થી એક જબરજસ્ત પર્ફોમન્સ આપી પોતાના હુનરના દર્શન કરાવતા સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.

નવરંગ ગૃપના કો-ઓર્ડિનેટર શૈલેષભાઈ જૈને જણાવ્યું કે, ભારતના સમૃધ્ધ કલા વારસાને મંચ મળે અને કલાકારો પોતાનું હુનર દુનિયા સમક્ષ બતાવી શકે તેવા આશય સાથે દર વર્ષે ટેલેન્ટ ફેસ્ટિવલ યોજાય છે. જેમાં ભાગ લઈને અનેક કલાકારોએ રાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ મેળવી છે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શિવ કથાકાર બટુકભાઈ વ્યાસ, મિલન માહલા, પી.કે.પટેલ, બિમલભાઈ- છાયાબેન શાહ, નિરંજનભાઈ- બીનાબેન, અજયભાઈ- જયોતિ પટેલ, મુલેશભાઈ- અલકા મહેતા, શરદકુમાર- વર્ષાબેન શાહ, કીર્તિભાઈ વીસરિયા, જાગૃતિ પારેખ, મીનાબેન છેજારા, પ્રકાશ ટોકરકર, આરતી ચતુર્વેદી, કિશોર બોરસે, ગૌરવ મકવાણા અને અરુણદીપ- વંદના સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!