ધરમપુરમાં બેરોજગાર યુવાનોને સ્વરોજગારની તાલીમ આપતો કાર્યક્રમ યોજાયો: સરકારી નોકરી મેળવવામાં હાલમાં હરીફાઈ વધુ હોવાથી ધંધો- રોજગાર શોધી સ્વાવલંબન બનવા આહવાન કરાયુ

ગુજરાત એલર્ટ | વલસાડ
શિક્ષિત બેરોજગારોને રોજગાર મળી રહે તે માટે ધરમપુરના ઓઝરપાડા ખાતે માઁ જગદંબાના પરિસરમાં દીપ જ્યોતિ સેવા મંડળ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ધરમપુર અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓએ ભાગ લઈ સ્વરોજગારની તાલીમ મેળવી હતી. આ તાલીમ દરમિયાન એમને માર્ગદર્શન આપવા અને મદદરૂપ થવા માટે તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રમુખસ્થાનેથી વલસાડ શાહ એન.એચ. કોમર્સ કોલેજના પ્રા. કિરણભાઇ પટેલે યુવાનોને સરકારી નોકરીઓ મળવી વર્તમાન સમયમાં ખૂબ જ તકલીફભરી છે અને હરિફાઇ ખૂબ જ વધી છે ત્યારે આ સમયમાં આપણે જાતે ધંધો- રોજગાર શોધી સ્વાવલંબન બનવુ પડશે એમ જણાવ્યુ હતું. કાર્યક્રમના પ્રણેતા અને વનરાજ કોલેજના નિવૃત પ્રાધ્યાપક પ્રા.વી.ડી.હરકણિયાએ આયોજનબદ્ધ જીવન જીવવા, આળસ ત્યજીને ખૂબ મહેનત કરવા અને તમે જો સફળ થવા માંગો છો તો આજના સમયમાં કશુ જ અશક્ય નથી એમ જણાવ્યુ હતુ.
ધોરાજી મહિલા કોલેજના લાઇબ્રેરીયન પ્રાધ્યાપક કમલેશ પટેલે સ્વરોજગારીની વાત રજૂ કરી હતી. બારોલિયાના નિવૃત શિક્ષક રમેશભાઇ પટેલે યુવાનોને નિડર બની આગળ વધવાની પ્રેરણા આપી હતી. એડવોકેટ વિનોદભાઈએ યુવાનોને સંઘર્ષનો સામનો કરી લક્ષ્ય સિદ્ધ કરી શકાય છે એ વાત ઉદાહરણ આપીને સમજાવી હતી. નિવૃત બેંક મેનેજર ભૂપેન્દ્રભાઇએ સ્વરોજગાર અપનાવવા માટે બેંક લોન મેળવી આપવાની જાહેરાત કરીને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. શીતળ છાંયડો લાઇબ્રેરીના સ્થાપક જયંતિભાઈ પટેલ અને કસ્ટમ વિભાગના મહેશભાઇએ પણ તાલીમ માટે આવેલા યુવકોને સ્વરોજગારી મળી રહે એ માટેની ઉપયોગી માહિતી આપી હતી.
કાર્યક્રમના અંતે મોટી સંખ્યામાં આવેલા અનેક યુવાનોએ પોતાના જીવનમાં કઇંક નવુ પરિવર્તન કરી આગળ વધવાનો સંકલ્પ કરી પ્રતિભાવ રજૂ કર્યા હતા. અનેક યુવકો અને યુવતીઓને ઉપયોગી માર્ગદર્શન મળ્યાનો આનંદ થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દીપ જ્યોતિ સેવા મંડળના દરેક સભ્યોએ અને ઉત્સાહી યુવકો અવિનાશ પટેલ અને દીક્ષુ પટેલે કાર્યક્રમને જીવંત બનાવી દીધો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!