૨૬- વલસાડ લોકસભા બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, સાંજે ૫ વાગ્યા સુધીમાં ૬૮.૧૨ ટકા મતદાન: હિટવેવમાં પણ મતદારોનો ઉત્સાહ અડીખમ રહ્યો, વટ કે સાથ કર્યુ વોટિંગ

ગુજરાત એલર્ટ । વલસાડ
સમગ્ર રાજ્યમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ૨૬- વલસાડ લોકસભાની ચૂંટણી પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદારોએ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા માટે સ્વયંભૂ ઉમટી પડયા હતા. ધરમપુર, કપરાડા અને ડાંગ સહિતની સાતેય બેઠકો પર મતદારોની કતાર જોવા મળી હતી. જે લોકશાહી પર્વની ઉજવણીમાં મતદારોનો જોમ અને જુસ્સા સાથે લોકતંત્ર પ્રત્યે શ્રધ્ધા અને વિશ્વાસના પણ દર્શન કરાવે છે. વલસાડવાસીઓ ખરા અર્થમાં ભર બપોરે વટ સાથે વોટ કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. અનેક મતદાન મથકો પર તો મતદાન શરૂ થાય તે પહેલાંથી જ નાગરિકો મત આપવા પહોંચી ગયા હતા. મતદાનનો પ્રારંભ થતાં જ ઉત્સાહ સાથે મત આપી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી. ખાસ કરીને યુવાધન અને મહિલાઓએ મતદાનની શ્યાહી વાળી આંગળી સાથે સેલ્ફી તેમજ ગૃપ ફોટા પાડી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનો ટ્રેન્ડ છવાયો હતો. જેને પગલે ઠેર ઠેર લોકશાહીના પર્વની શાનદાર ઉજવણી થઈ રહી હોવાનો માહોલ જોવા મળ્યો હતો.
સવારે ૭ થી ૯ વાગ્યાના પ્રથમ રાઉન્ડમાં ૧૦.૮૧ ટકા અને ૯ થી ૧૧ વાગ્યા સુધીના બીજા રાઉન્ડમાં ૨૮.૭૧ ટકા મતદાન વલસાડ બેઠક પર નોંધાયું હતું. ૧૧ થી ૧ વાગ્યા સુધીના ત્રીજા રાઉન્ડમાં કુલ ૪૫.૩૪ ટકા મતદાન થયું હતું. જે સમગ્ર ગુજરાતમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં થયેલું સૌથી વધુ મતદાન હતું. ત્યારબાદ બપોરે ૧ થી ૩ વાગ્યા સુધીના ચોથા રાઉન્ડમાં પણ વલસાડ બેઠક ૫૮.૦૫ ટકા મતદાન સાથે ટોચ પર રહી હતી. જ્યારે બપોરે ૩ થી પ વાગ્યા સુધીના પાંચમા રાઉન્ડમાં પણ ૬૮.૧૨ ટકા મતદાન સાથે વલસાડ બેઠક સમગ્ર રાજ્યમાં અવ્વલ રહી હતી.
વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૬૯૯૩૨૭ પુરુષ મતદારોમાંથી ૪૬૯૭૪૦ એ મતદાન કરતા ૬૭.૧૭ ટકાવારી નોંધાઈ હતી. જિલ્લામાં ૬૬૨૧૨૯ મહિલા મતદારોમાંથી ૪૪૧૨૫૬ એ મતદાન કરતા જિલ્લામાં મહિલાઓની કુલ ટકાવારી ૬૬.૬૪ ટકા નોંધાઈ હતી. જ્યારે અન્ય કેટેગરીમાં જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૭ મતદારમાંથી ૭ એ મતદાન કરતા ૪૧.૧૮ ટકા મતદાન થયું હતું. આમ, ત્રણેય કેટેગરી જોતા વલસાડ જિલ્લામાં કુલ મતદાન ૬૬.૯૧ ટકા મતદાન નોંધાયું હતું.
જ્યારે ડાંગ અને વાંસદા બેઠકની વાત કરીએ તો આ બંને બેઠક પર નોંધાયેલા ૨૪૬૨૦૩ પુરુષ મતદારોમાંથી ૧૮૦૧૫૬ એ મતદાન કરતા ૭૩.૧૭ ટકાવારી નોંધાઈ હતી. જ્યારે ૨૫૨૨૯૬ મહિલા મતદારોમાંથી ૧૭૫૯૪૨ એ મતદાન કરતા ૬૯.૭૪ ટકા મતદાન થયું હતું. જ્યારે અન્ય કેટેગરીમાં નોંધાયેલા ૨ મતદારોએ સાંજે વાગ્યા સુધીમાં મતદાન કર્યું ન હતું. આમ, આ બંને બેઠક પર સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૭૧.૪૩ ટકા મતદાન થયું હતું. જ્યારે સાતેય બેઠક સાથે ૨૬- વલસાડ બેઠકની વાત કરીએ તો કુલ ૧૮૫૯૯૭૪ મતદારોમાંથી ૧૨૬૭૧૦૧ એ સાંજે પાંચ વાગ્યા સુધીમાં મતદાન કરતા કુલ ટકાવારી ૬૮.૧૨ નોંધાઇ હતી.
સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૨૬ – વલસાડની સાત બેઠક પર સૌથી વધુ મતદાન ડાંગમાં ૭૪.૪૮ ટકા અને વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર સૌથી વધુ મતદાન કપરાડા બેઠક પર ૭૪.૪૬ ટકા નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન ઉમરગામ બેઠક પર ૬૧.૭૨ ટકા નોંધાયું હતું. આ સિવાય વાંસદામાં ૬૯.૪૪ ટકા, ધરમપુરમાં ૭૧.૧૯ ટકા, વલસાડમાં ૬૫.૦૯ ટકા અને પારડીમાં ૬૨.૬૯ ટકા મતદાન થયું હતું.
સમગ્ર રાજ્યમાં વલસાડ બેઠક પર સાંજે પાંચ વાગ્યા સુધીમાં સૌથી વધુ ૬૮.૧૨ ટકા મતદાન નોંધાતા મતદારોનો ઉત્સાહ બેવડાયો હતો. જિલ્લામાં હિટવેવની અસરને પગલે આરોગ્ય ખાતા દ્વારા તમામ બુથ પર ઓઆરએસ, મેડિકલ કીટ, પીવાનું પાણી સહિતની જરૂરી સુવિધા ઉપલબ્ધ કરી હોવાથી મતદારોને રાહત થઈ હતી. સવારથી સાંજ સુધી દિવસભર લોકો લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં હોંશેહોશે મતદાન કરવા માટે આવી રહ્યા હતા. પોલીસ તેમજ પેરા મિલિટ્રી ફોર્સના જવાનોએ સાતેય બેઠકના ૨૦૦૬ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જાળવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!