વલસાડ જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા કોસંબામાં તાલુકા કક્ષાનો સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને વલસાડ જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા વલસાડ તાલુકાના કોસંબા ગામમાં પારધી ફળિયા ખાતે આવેલા રિલાયન્સ હોલમાં ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાના સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ઉર્વીબેન પટેલે આયુર્વેદ, હોમિયોપેથી અને યોગનું મહત્વ સમજાવ્યું હતું સાથે જ જીવનશૈલી બદલવાથી જીવનમાં સર્વાંગી સુખાકારી મળે તે અંગે માહિતી આપી હતી. વધુમાં તેમણે ગામમાં કાર્યરત આયુર્વેદ દવાખાનામાં દરેક પ્રકારના રોગોની આયુર્વેદ સારવાર ઉપલબ્ધ હોઇ લાભ લેવા જણાવ્યુ હતું.
ધારાસભ્ય ભરતભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે દરેક નાગરિકોએ આ પદ્ધતિને જીવનમાં અપનાવવી જોઈએ. સાથે જ તેમણે પોતાના આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિના અનુભવો પણ વર્ણવ્યા હતા. જિલ્લા આયુર્વેદ શાખાના વલસાડ તાલુકાના મેડિકલ ઓફિસરોશ્રીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ ધારાસભ્યશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઘર આંગણાની વનસ્પતિ પ્રદર્શન, રસોડાના ઔષધ પ્રદર્શન, વિવિધ આયુર્વેદ અને હોમિયોપેથીના માહિતી સભર ચાર્ટ પ્રદર્શન, આયુર્વેદ આહાર વિહારના પેમ્પલેટ વિતરણ વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. સાથે જ રોગપ્રતિકારક શક્તિ વર્ધક અમૃત પેયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાના બાળકો સ્વસ્થ રહે તે હેતુસર સુવર્ણ પ્રાશનના ટીપા પણ પીવડાવવામાં આવ્યા હતા.

તાલુકા કક્ષાના કેમ્પમાં ચામડીના રોગ, સ્ત્રી રોગ, બાળકોના રોગો, વૃદ્ધાવસ્થામાં થતા રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઈરોઈડ, સાંધાના રોગ, હરસ મસા સહિતની વિવિધ બીમારીઓની લોકોએ સારવાર મેળવી બહોળા પ્રમાણમાં આ કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બ્રિજનાબેન પટેલ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષ કલ્પનાબેન આર પટેલ, તાલુકા પંચાયત સદસ્ય સુનિલભાઈ જી ટંડેલ, સરપંચ કિરીટભાઈ ટંડેલ, ઉપસરપંચ કલ્પનાબેન એન ટંડેલ અને આગેવાન ગીરીશભાઈ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!