ગુજરાત એલર્ટ | વલસાડ
કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વાપી ખાતે ઉદ્યોગોના ટકાઉ વિકાસ અને પર્યાવરણની સુરક્ષાના હેતુથી ‘ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને એર પોલ્યુશન મોનિટરિંગ’ વિષય પર એક મહત્વપૂર્ણ સેમિનારને વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાની વિશેષ ઉપસ્થિતિમાં ખુલ્લો મૂક્યો હતો.

કનુ દેસાઈ વીઆઈએ ઓડિટોરિયમમાં યોજાયેલા આ સેમિનારમાં માર્ગદર્શન આપતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ,ઔદ્યોગિક વિકાસ માટે ‘સસ્ટેનેબિલિટી’ (ટકાઉપણું) હોવી અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે વાપીના ઉદ્યોગોએ હંમેશા દેશને એક ઉત્તમ સંદેશ આપ્યો છે. ભારત સરકારની નીતિ ખેડૂતલક્ષી અને ગરીબલક્ષી હોવાની સાથે સાથે પ્રો-ઇન્ડસ્ટ્રી (ઉદ્યોગલક્ષી) પણ છે. સરકારે GSTનું માળખું સરળ બનાવ્યું છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે તથા હાઇવેના નિર્માણની ગતિમાં નોંધપાત્ર વધારો કર્યો છે તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૧ના ભૂકંપ બાદ ગુજરાતે માળખાગત સુવિધાઓ અને શાંતિ-સલામતી ક્ષેત્રે અપ્રતિમ વિકાસ સાધ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે જ્યોતિગ્રામ યોજના, વાઇબ્રન્ટ ગુજરાત અને સોલાર પોલિસી અમલમાં મૂકીને ગુજરાતે સમગ્ર દેશમાં નવી રાહ ચીંધી છે.

કાર્યક્રમમાં મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે વાપી ગ્રામ પંચાયતમાંથી મહાનગરપાલિકા બની ગયું છે અને અહીંના લોકોએ દેશભરના નાગરિકોને રોજગારી પૂરી પાડી છે. તેમણે વિકાસના કાર્યોમાં અડચણરૂપ બનતા અને વિદેશી ફંડિંગ મેળવતા અરાજકતાવાદી એક્ટિવિસ્ટોથી સાવધ રહેવા પણ જણાવ્યું હતું.

ઉદ્યોગોને ભવિષ્યની માંગ સમજાવતા મંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વ વ્યાપાર માટે ગ્રીન પ્રોડક્ટ્સ અને રિસાયક્લિંગ ઈકોનોમીનું મહત્વ ખૂબ જ વધવાનું છે, જે દિશામાં ઉદ્યોગોએ અત્યારથી જ કામ કરવું પડશે.

આ સેમિનારે વાપીના ઔદ્યોગિક એકમોને માત્ર આર્થિક નફાની જ નહીં, પરંતુ પર્યાવરણની સુરક્ષા સાથે ભવિષ્યના સસ્ટેનેબલ વિકાસ માટે નવી દિશા પૂરી પાડી છે.
પદ્મભૂષણ રજૂ શ્રોફે વાપીના ઇન્ડસ્ટ્રીયલ ઇતિહાસ અને સંસ્મરણો વગોવ્યાં હતા. વાપીના ઇન્ડસ્ટ્રીયલ વિકાસને નવી દિશા આપવા માટે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશનનના પ્રેસિડેન્ટ સતીશભાઇ પટેલ, સેક્રેટરી કલ્પેશભાઇ વોરા અને મેમ્બર કલ્પેશ કાબરીયા સહિત અનેક ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગસાહસિકો સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.
