ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્યભરમાં “જનજાતીય ગૌરવ દિવસ” અને “જનજાતીય ગૌરવ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે તા. ૧૫ નવેમ્બરને સોમવારના રોજ સાંજે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓડિટોરિયમ હોલ ખાતે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” ભવ્ય રીતે યોજવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, દેશની આઝાદીમાં અને આદિવાસી સમાજની એકતા અને સંગઠિતતામાં ભગવાન બિરસા મુંડાનું વિશેષ યોગદાન છે, તેઓ મહામાનવ હતા અને અદભુત વ્યક્તિત્વ ધરાવતા હતા. પરંતુ પાછલી સરકારોએ તેમના યોગદાનને યાદ કર્યા ન હતા. યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી આદિવાસી સમાજને ગૌરવ અપાવ્યું છે અને નવી પેઢીને ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લેવાની તક આપી છે. હવે પેઢીઓ સુધી તા. 15 નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાશે. આ ઉજવણી માત્ર આદિવાસી પટ્ટામાં જ થાય છે એવું નથી પરંતુ ભગવાન બિરસા મુંડાએ સમગ્ર દેશ માટે સંઘર્ષ કર્યો હતો, આ ઉત્સવ માત્ર આદિવાસી સમાજ માટે નથી પરંતુ દરેક સમાજ માટે છે. બિરસા મુંડાએ સૌને દેશ માટે એક થઈને લડવા માટે આહવાન કરી “આપણો દેશ, આપણું રાજ”નો નારો આપ્યો હતો.

મંત્રીશ્રીએ રૂ. 500 કરોડથી વધુના ખર્ચે રાજપીપળા ખાતે બની રહેલા ટ્રાઈબલ મ્યુઝિયમ જોવા અપીલ કરી રૂ. 350 કરોડથી વધુ ખર્ચે બનેલી ટ્રાઈબલ યુનિવર્સિટી અને આદિવાસી ભાષા-બોલી અને આદિવાસી પરંપરાગત રમતો લુપ્ત ના થાય તે માટે રાજ્ય સરકાર વિશેષ કાળજી લઈ રહી હોવાનું જણાવ્યું હતું.

વધુમાં મંત્રીશ્રી એ “જય જોહાર” શબ્દનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, ‘‘જય જોહાર’’ એ રામાયણમાં લખાયેલો શબ્દ છે, જેનો અર્થ “રામ રામ” થાય છે. આ સાથે તેમણે આદિવાસી સમાજમાં ખૂબ જ મોટી તાકાત હોવાનું ગર્વભેર જણાવી સાથે આદિવાસી સમાજ ભોળો હોવાનું પણ ઉમેર્યુ હતું. યુવાનોને ખાસ અપીલ કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, સોશિયલ મીડિયામાં એઆઈ ખૂબ જ મોટી ચેલેન્જ બનીને આવી રહ્યું છે, એઆઈથી તમારે ચેતવું પડશે. તમે ગેરમાર્ગે ના દોરાવ તેનું ખાસ ધ્યાન રાખજો. તેના દુરૂપયોગથી તમારા ભવિષ્યને નુકશાન થશે. જેનાથી દેશને પણ નુકશાન થઇ શકે છે, જેથી ખાસ કાળજી રાખવા યુવાનોને અપીલ કરી હતી.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી કહે છે કે, સૌના સહકાર વિના દેશની પ્રગતિ કરવી અશક્ય છે એટલે સૌના સાથ અને સહકારથી દેશ પ્રગતિના પંથે જઇ રહ્યો છે અને મને વિશ્વાસ છે કે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સપનું આપણે અવશ્ય પૂરું કરીશું.

વક્તા તરીકે વલસાડ સિવિલ હોસ્પિટલના ડો. ચિંતુ ચૌધરીએ ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર અને જનજાતીય ગૌરવ દિવસની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દેશને આગળ લાવવા અથાગ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજનો પણ વિકાસ થાય તે માટે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. દેશના વિકાસ માટે નાગરિકો સાથે વખતોવખત વાતચીત થતી રહેવી જોઈએ જેથી સાચી દિશામાં દેશ વિકાસ તરફ આગળ વધી શકે, જે માટે આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરાયું છે. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાના જીવનનો મહિમા સમજાવ્યો હતો. સ્વાગત પ્રવચન પ્રાયોજના વહીવટદાર આસ્થા સોલંકીએ કર્યું હતું.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ સંમેલનમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ, જિલ્લા કલેકટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી વંદના મીણા, જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રીઓ, જિલ્લા સંગઠન પ્રભારી વિનય શુક્લા, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
