વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે અદ્યતન ઇમરજન્સી અને ટ્રોમા યુનિટનું જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના હસ્તે લોકાર્પણ કરાયું

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડની જાણીતી કસ્તુરબા હોસ્પિટલમાં ગુજરાત રાજ્યની પ્રથમ 5G કનેક્ટેડ કાર્ડિયાક અને ટ્રોમા એમ્બ્યુલન્સનું લોકાર્પણ દક્ષિણ ગુજરાતમાં સુપર સ્પેશિયાલિટી લેવલ આરોગ્ય સેવામાં ઐતિહાસિક પગલું ગણાશે.
કસ્તુરબા હોસ્પિટલનું સંચાલન કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળ દ્વારા થાય છે. તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ અદ્યતન અને આધુનિક સુવિધાસભર ઇમરજન્સી અને ટ્રોમા યુનિટ, વિસ્તૃત સુપર-સ્પેશિયાલિટી ICU સુવિધાઓ, અદ્યતન યુરો-સર્જરી સાધનો તથા ગુજરાત રાજ્યની પ્રથમ 5G કનેક્ટેડ કાર્ડિયાક અને ટ્રોમા એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્મા તેમજ વિશિષ્ટ અતિથિ તરીકે સંગીતા પ્રધાન, ચીફ ફાઇનાન્સ કન્ટ્રોલ એન્ડ એકાઉન્ટિંગ, રિલાયન્સ ફાઉન્ડેશન ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય અતિથિ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, ટેક્નોલોજી અને માનવતાનો સંગમ છે. આ પહેલ માત્ર હોસ્પિટલનો વિકાસ નથી. આ સમગ્ર વલસાડ જિલ્લાના આરોગ્ય સુરક્ષા મંડળને મજબૂત બનાવવાનો સંકલ્પ છે. વિશેષ અતિથિ સંગીતા પ્રધાન એ જણાવ્યું કે, સમાવેશી વિકાસ જ સાચો વિકાસ છે. આરોગ્ય સેવા દરેકનો અધિકાર છે. આ અવસરે પ્રમુખ કિરણ ઠાકોરભાઈ દેસાઈએ આગામી આયોજન અંગે જણાવ્યું કે, કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ, સમર્પિત ઓન્કોલોજી વિંગ (રેડિયેશન અને ન્યુક્લિયર મેડિસિન સાથે), IVF સુવિધા, જનરલ વોર્ડ રિડેવલપમેન્ટ અને બ્લડ સ્ટોરેજ યુનિટ ઉપલબ્ધ કરાશે. આ પરિવર્તન ટેક્નોલોજીનું નથી, આ પરિવર્તન વિશ્વાસ, સમર્પણ અને સમાજના સહયોગનું છે. આ સપનાઓ સાકાર કરવા સમાજ, ઉદ્યોગપતિઓ, NRI મિત્રો અને દાતાશ્રીઓનો સહયોગ આવશ્યક છે.

આ પ્રસંગે કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળના પ્રતિનિધિએ જણાવ્યું કે, આ વિસ્તરણ દક્ષિણ ગુજરાતમાં ઇમરજન્સી પ્રતિસાદ અને સુપર-સ્પેશિયાલિટી સારવારને નવી દિશા આપનાર ઐતિહાસિક પગલું છે. અદ્યતન ટેક્નોલોજી અને મજબૂત ક્રિટિકલ કેર સુવિધાઓના સંકલનથી અમે સમાજને સમયસર, સસ્તી અને ગુણવત્તાસભર આરોગ્યસેવા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ નવી સુવિધાઓ સાથે કસ્તુરબા હોસ્પિટલ દક્ષિણ ગુજરાતમાં એક સમર્પિત તૃતીયકક્ષાની (Tertiary Care) આરોગ્ય સંસ્થા તરીકે પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરે છે, જ્યાં ઇમરજન્સી, ટ્રોમા, કાર્ડિયાક સર્જરી, યુરોસર્જરી, ન્યુરોસર્જરી, નીઓનેટલ અને ક્રિટિકલ કેર જેવી તમામ સેવાઓ એક જ છત હેઠળ ઉપલબ્ધ છે.
૧૯૪૪માં માત્ર છ પથારીવાળી માતૃત્વ હોસ્પિટલ તરીકે સ્થાપિત થયેલ કસ્તુરબા હોસ્પિટલ આજે દક્ષિણ ગુજરાતની અગ્રણી સુપર-સ્પેશિયાલિટી આરોગ્ય સંસ્થા બની છે. નવી ઇમરજન્સી અને ટ્રોમા યુનિટનું સંપૂર્ણ પુનઃનિર્માણ અને આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, સાથે સાથે હોસ્પિટલની આગળની ઇમારતનું નવસર્જન અને ICU ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ તમામ સુધારાઓથી તાત્કાલિક અને જીવનરક્ષક સારવાર વધુ ઝડપી અને અસરકારક રીતે ઉપલબ્ધ બનશે.
આ પ્રોજેક્ટને વધુ મજબૂતી સ્વર્ગીય રૂક્ષ્મણિબેન અને સ્વર્ગીય ઠાકોરભાઈ દાહ્યાભાઈ દેસાઈ પરિવાર (હનુમાન ભાગડા, વલસાડ)ના ઉદાર સહયોગથી મળી છે. તેમની સહાયથી ઇમરજન્સી અને ટ્રોમા યુનિટનું વ્યાપક આધુનિકીકરણ તથા ક્રિટિકલ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તરણ શક્ય બન્યો છે. તેમનો આ સહયોગ સમાજપ્રતિની તેમની અવિરત સેવાભાવની પ્રતિકૃતિ છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્યની પ્રથમ 5G કનેક્ટેડ કાર્ડિયાક અને ટ્રોમા એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું, જે ડૉ. રાજન નાયક અને શ્રીમતી રેખા નાયક (USA) દ્વારા પ્રાયોજિત છે. આ એમ્બ્યુલન્સ રિયલ-ટાઈમ ECG અને અન્ય જીવનમૂલ્ય પરિમાણો હોસ્પિટલ સુધી તરત જ પ્રસારિત કરવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે ‘ગોલ્ડન અવર’ દરમિયાન યોગ્ય અને સમયસર સારવાર શરૂ કરી શકાય છે, જે દર્દીઓના જીવન બચાવમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
આ ઉપરાંત, વલસાડ જિલ્લામાં પ્રથમ વખત થુલિયમ લેસર ટેક્નોલોજી આધારિત અદ્યતન યુરો-સર્જરી સાધનોની સ્થાપના હર્ષદરાય નાનાલાલ કાપડિયા (મુંબઈ)ના સહયોગથી, સ્વ. જ્યોતિબેન કાપડિયા ની સ્મૃતિમાં કરવામાં આવી છે, જેનાથી સુપર-સ્પેશિયાલિટી સર્જરી સેવાઓ વધુ સશક્ત બનશે. છેલ્લા ચાર વર્ષથી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા હોસ્પિટલને સતત અને મજબૂત સહયોગ મળતો રહ્યો છે, જેના પરિણામે કેથલેબ, એમ આર આઈ સુવિધા, સુપર-સ્પેશિયાલિટી ઓપરેશન થિયેટર અને હવે ક્રિટિકલ કેર તથા ટેક્નોલોજી આધારિત નવી સુવિધાઓ વિકસિત થઈ છે. નવી ઉમેરાયેલ સુવિધાઓમાં નીચે મુજબનો સમાવેશ થાય છે. હાઈ-એન્ડ ક્રિટિકલ કેર વેન્ટિલેટર્સ, નિયોનેટલ આ સી યુ માટે હાઈ ફ્રેક્યુએન્સી ઓક્સિજન (HFO) વેન્ટિલેટર , મિનિમલી ઇન્વેસિવ (કી-હોલ) કાર્ડિયાક સર્જરી સાધનો, હેમોડાયાફિલ્ટ્રેશન (HDF) સુવિધા – દક્ષિણ ગુજરાતમાં પ્રથમ , વિવિધ વિભાગોમાં ટેક્નોલોજીકલ અપગ્રેડેશન.
કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળ પરિવાર તમામ દાતાશ્રીઓ, ઉદ્યોગપતિઓ, સંસ્થાઓ અને સમાજના સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે, જેમના વિશ્વાસ અને સહયોગથી હોસ્પિટલનો વિકાસ સતત આગળ વધી રહ્યો છે. સંસ્થા ભવિષ્યમાં પણ સમાજને સુલભ, સસ્તી અને ટેક્નોલોજી આધારિત આરોગ્યસેવા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.
કસ્તુરબા હોસ્પિટલ વિશે ૧૯૪૪માં સ્થાપિત કસ્તુરબા હોસ્પિટલ, વલસાડ, છેલ્લા આઠ દાયકાથી વધુ સમયથી દક્ષિણ ગુજરાતના લોકોની વિશ્વસનીય આરોગ્યસેવા સંસ્થા તરીકે સેવા આપી રહી છે. છ પથારીવાળી માતૃત્વ હોસ્પિટલથી શરૂ થયેલી આ સંસ્થા આજે મલ્ટી-સ્પેશિયાલિટી અને સુપર-સ્પેશિયાલિટી કાર્ડિયાક મેડિસિન અને સર્જરી વિભાગ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે વિકસિત થઈ છે.આ પ્રસંગે સ્વ. અર્જુનભાઈ બલવંતરાય દેસાઈના યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!