ગુજરાત એલર્ટ | વલસાડ
૧૩ જાન્યુઆરી વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ભવ્ય રંગોત્સવ મહોત્સવનું આયોજન શ્રીમદ્ રાજચંદ્ર મિશન આશ્રમ,ધરમપુર ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના તમામ ૪૩ સરકારી શાળાઓના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. વિવિધ શાળાઓ દ્વારા કુલ ૩૬ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં નૃત્ય, સંગીત, લોકનૃત્ય, નાટક તથા દેશભક્તિ આધારિત પ્રસ્તુતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની છુપાયેલી પ્રતિભા અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત સૌએ વિદ્યાર્થીઓના ઉત્સાહભર્યા પ્રદર્શનને સરાહ્યું હતું.

રંગોત્સવ મહોત્સવનું મુખ્ય ઉદ્દેશ્ય સરકારી શાળાના વિદ્યાર્થીઓમાં સહઅભ્યાસ પ્રવૃત્તિઓ પ્રત્યે રસ વિકસે, ટીમવર્કની ભાવના મજબૂત બને તથા શૈક્ષણિક અભ્યાસ સાથે સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન થાય તે હતું. આ હેતુ સિદ્ધ કરવા માટે સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત આયોજન અને શિસ્તબદ્ધ વ્યવસ્થા સાથે અમલમાં મૂકાયો હતો.

કાર્યક્રમના સુચારૂ અને વ્યવસ્થિત આયોજન માટે શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. ઉપરાંત, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ તથા એમ.એમ. હાઈસ્કૂલ, ઉમરગામ ટ્રસ્ટ તરફથી કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને એજ્યુકેશન કિટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જે વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સાબિત થયું હતું.


આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને નવી દિશા મળી તેમજ શિક્ષકો અને શાળાઓ વચ્ચે સમન્વય વધ્યો હતો.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો. રાજેશ્રી ટંડેલે કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ આચાર્યશ્રીઓ, શિક્ષકમિત્રો, સમિતિઓ ના નોડલ શ્રી સહયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા શિક્ષણલક્ષી અને સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી, વલસાડ, ડૉ. રાજેશ્રી એલ. ટંડેલના માર્ગદર્શન હેઠળ આનંદ, ઉત્સાહ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
