રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને ઉમરગામના કલગામમાં રૂ. ૧૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર સાયન્સ કોલેજનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં કલગામ ખાતે રૂ. ૧૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર સાયન્સ કોલેજનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૦૧ના ભુકંપ બાદ ગુજરાતનું સુકાન નરેન્દ્રભાઈ મોદીએ સંભાળ્યા બાદ રાજ્યના વિકાસ માટે અનેક આયામો શરૂ કર્યા હતા. રાજ્યનું નાગરિક સારું બને તે માટે કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી સહિતના અનેકવિધ અભિયાન શરૂ કરાવ્યા હતા. આ સિવાય અંગ્રેજોના જમાનાથી ચાલી આવતી શિક્ષણ પ્રણાલી બંધ કરી નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી બાળકો ભારતની ગૌરવશાળી સંસ્કૃતિ જાણે તે માટે કરેલા પ્રયાસ અભિનંદનને પાત્ર છે. આપણા વડાપ્રધાનશ્રીએ હાલમાં જે નિર્દેશ આપ્યા છે તેનું આપણે સૌ પાલન કરીએ.

વલસાડ- ડાંગના સાંસદશ્રી અને લોકસભાના દંડકશ્રી ધવલભાઈ પટેલે આ સાયન્સ કોલેજ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરના અથાગ પ્રયત્નથી નિર્માણ થવા જઈ રહી હોવાનું જણાવી ધન્યવાદ પાઠવી વધુમાં કહ્યું કે, છેલ્લા ૩૦ વર્ષમાં શ્રી રમણલાલ પાટકરે ઉમરગામની કાયાપલટ કરી છે. તેમણે ઉમરગામમાં રોજગારની સાથે શિક્ષણ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વર્ષ ૧૯૬૦માં ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટુ પડ્યું ત્યારે ઉમરગામ થી અંબાજી સુધી આદિવાસી પટ્ટી પર એકપણ સાયન્સ કોલેજ ન હતી પરંતુ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ અનેક સાયન્સ કોલેજ ચાલુ થતા ગામે ગામ લોકો ડોકટર અને એન્જીનીયર બન્યા છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે જણાવ્યું કે, શિક્ષણનું પ્રમાણ વધે તે માટે દરેક તાલુકામાં સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ શરૂ કરવામાં આવે તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી હતી જે આજે સાકાર થઈ રહી છે. કલગામમાં આજે આપણે જે સાયન્સ કોલેજનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે તેનાથી કોસ્ટલ વિસ્તારના ૧૭ ગામની ૮૯૦૦૦ વસ્તીને લાભ થશે. સરકારે કોલેજ માટે ૨૫ એકર જમીન ફાળવી છે ત્યારે અહીં ઉપસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિશ્રીએ સાયન્સ કોલેજની સાથે બીજી પણ કોલેજ આવશે એવી ખાતરી આપી છે. શિક્ષણનો વ્યાપ વધતા સમાજનું સ્તર ઉપર આવશે. આ સિવાય ભીલાડમાં રૂ. ૬૦-૬૦ લાખના ખર્ચે બે છાત્રાલય પણ મંજુર થઈ છે.

આ પ્રસંગે કલગામના સરપંચશ્રી રોહિતભાઈ હળપતિ, સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન અને પ્રોજેકટની રૂપરેખા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના વાપીના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી પાર્થ જેતાણીએ આપી હતી. આભારવિધિ સાયન્સ કોલેજના આચાર્ય યોગેશભાઈ હળપતિએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગ ટ્રેનર ચીસિલ કોળીએ કર્યું હતું.

સાયન્સ કોલેજમાં શુ સુવિધા હશે તેના પર એક નજર
નવનિર્માણ કોલેજ કુલ બે ફ્લોર (ગ્રાઉન્ડ ફ્લોર+૨)માં હશે. મકાનનો કુલ બિલ્ટઅપ એરિયા ૫૮૦૭.૦૦ ચો.મી. છે. કોલેજમાં લેબરૂમ, કલાસરૂમ, પ્રિન્સિપાલ ઓફિસ, સ્ટાફરુમ, સેમિનાર હોલ, લાઇબ્રેરી, કમ્પ્યુટર રૂમ, મલ્ટી પર્પઝ હોલ, સ્ટોર સહિતની સુવિધા હશે. આ સિવાય એક્સ્ટ્રનલ સેનેટરી એરેન્જમેન્ટ, રેઇન વોટર હોવર્સ્ટિંગ, સંપ રૂમ, પંપ રૂમ, એન્ટ્રેન્સ તથા એક્સિટ ગેટ, ઈન્ટરનલ રોડ, પાર્કિંગ, કમ્પાઉન્ડ વોલ, ઇલેક્ટ્રિફિકેશન, ફર્નિચર વર્ક, ફાયર સેફ્ટી વર્ક કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!