ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં ૭૭માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી ઉમરગામ તાલુકામાં સર્કિટ હાઉસની પાસે આવેલા નગરપાલિકાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિના માહોલ સાથે થઈ હતી. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે ધ્વજવંદન કરી દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

ધ્વજવંદન બાદ મંત્રીશ્રીએ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું કે, એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે ભારતે અનેક સિદ્ધિ હાંસલ કરી છે.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાતે રાજ્યના ખૂણે ખૂણાનો વિકાસ કરી ઉંચાઈના નવા શિખરો સર કર્યા છે.

ગુજરાતે વિકસિત ભારત ૨૦૪૭ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલા લીધા છે. સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણને એક હજાર વર્ષ પૂર્ણ થતા અને સરદાર વલ્લભભાઈ પટેલના જીર્ણોધ્ધારના સંકલ્પને ૭૫ વર્ષ પૂર્ણ થતા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભાવિ પેઢી સોમનાથના ઈતિહાસથી પરિચિત થાય, જનમાનસમાં રાષ્ટ્રીય ચેતનાનું સિંચન થાય એવા શુભ આશય સાથે તા. ૮ થી ૧૫ જાન્યુ. સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેનાથી આપણે ગુજરાતીઓને ગર્વ થયો હતો. સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે એકતાનગર ખાતે ભારત પર્વનું ભવ્ય આયોજન કરાયું હતું.

રાષ્ટ્રીય ચેતનાના પ્રતિક સમાન શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત વંદે માતરમની ૧૫૦ મા વર્ષની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી. જનનાયક ભગવાન બિરસા મુંડાની સ્મૃતિમાં તા. ૧૫ નવે.૨૦૨૫ જનજાતિય ગૌરવ વર્ષ અને બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. ઉમરગામની આ પવિત્ર ધરતીથી અંબાજી સુધી ૧૩૭૮ કિમીની યાત્રા ૧૪ જિલ્લાઓમાંથી પસાર થઈ હતી. આ ઉજવણીમાં ડેડીયાપાડા ખાતે વિશ્વ નેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આદિજાતી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાના ભાગ-૨ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ યોજનાના ભાગ બે ના અમલીકરણ માટે ૧ લાખ કરોડની ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત ૨૦૨૫-૨૬માં રૂ. ૩૦૧૨૦ કરોડ કરતા વધારેની જોગવાઈ કરવામાં આવી છે. આદિવાસી સમાજ મુખ્યધારામાં જોડાય તે માટે વડાપ્રધાનશ્રીએ માળખાકીય સુવિધા, સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે શિક્ષણ, કૃષિ, આરોગ્ય, પશુપાલન, આવાસ, ડેરી, મત્સ્યોદ્યોગ, વન વિભાગ, સિંચાઈ, રસ્તા, તાલીમ અને આજીવિકા ક્ષેત્રે તકો મળી રહે તે હેતુથી અનેક યોજના ચાલી રહી છે, જેના લાભ દ્વારા આદિવાસી સમાજને સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે.

વલસાડ જિલ્લાના વિકાસની ગાથા વર્ણવતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, ઉમરગામમાં સરીગામ બાયપાસ રોડ રૂ. ૨૪.૬૫ કરોડના ખર્ચે બનાવ્યો છે. ઉદવાડા વાપી વચ્ચે લેવલ ક્રોસિંગ નં. ૮૧ ઉપર રેલવે ઓવરબ્રિજ રૂ. ૫૪ કરોડના ખર્ચે બનાવ્યો છે. ઉમરગામ ખાતે નવી મામલતદાર કચેરીનું કામ રૂ. ૫.૪૪ કરોડના ખર્ચે કાર્યરત થઈ છે. પારડીમાં સાયન્સ કોલેજનું રૂ. ૨૦ કરોડના ખર્ચે બાંધકામ કરી કોલેજ ચાલુ કરી છે. કપરાડા ખાતે રૂ. ૧૦.૩૦ કરોડના ખર્ચે સરકારી કન્યા છાત્રાલયનું નિર્માણ કરાયુ છે.

ઉમરગામના કલગામમાં રૂ. ૫.૬૮ કરોડના ખર્ચે તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિર્માણ કરાયુ છે. આ સિવાય વલસાડ તાલુકાના નવેરા ગામે જિલ્લા કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ રૂ.૧૯ કરોડના ખર્ચે બનાવાયુ છે. પ્રધાનમંત્રી વનધન વિકાસ યોજના હેઠળ ગૌણ વન પેદાશોને મુલ્યવર્ધક બનાવી આદિવાસી સભ્યોની આજીવિકા વધારવા ૧૮ વનધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ કુલ ૧૦૨૩ કામો રૂ. ૬૨ કરોડના ખર્ચે કરવામાં આવ્યા છે. જિલ્લામાં પીએમ કિસાન સમ્માનનિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧૯૪૬૩૨ ખેડૂતોને રૂ. ૫૩૧ કરોડની સહાય આપવામાં આવી છે. વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ હેઠળ જિલ્લામાં ૩૪૧૬૭ દાવા અરજી મળી જેમાંથી ૩૧૦૧૮ દાવા મંજૂર કરી ૯૯૨૦ હેકટર વન જમીન ફાળવવામાં આવી છે. જેમાં ઉમરગામ તાલુકામાં ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરના પ્રયાસોથી ભૂતકાળમાં ગરીબ પરિવારને ૧૩૦૦ એકર જમીન ફાળવવામાં આવી છે. અહીં ૧૦૧૯ ઉદ્યોગ આવેલા છે જેમાં સવા લાખ લોકો સ્થાનિક કક્ષાએ રોજગારી મેળવી રહ્યા છે. માછીમાર સમાજના વિકાસ માટે ચાર જેટ્ટી મંજૂર કરવામાં આવી છે. આ સિવાય દરિયાઈ ધોવાણ અટકાવવા માટે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે સરંક્ષણ દિવાલ મંજૂર થઈ છે. વર્ષ ૨૦૪૭માં આઝાદીને ૧૦૦ વર્ષ પૂરા થશે ત્યારે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે યુવાવર્ગને સ્કીલ મળે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે દેશવાસીઓનો સહયોગ મળી રહે તેવા પ્રયત્નો આપણે સૌ એ કરવાના છે.

મંત્રીશ્રી દ્વારા પોલીસ પરેડનું નિરીક્ષણ કરાયું હતું. વલસાડ જિલ્લા પોલીસના પુરુષ પ્લાટુન, મહિલા પ્લાટુન, હોમગાર્ડ મહિલા અને પુરુષ સહિત ૭ પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. જેમાં કપરાડા પોલીસ સ્ટેશન પ્લાટુન પ્રથમ ક્રમે, વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન પ્લાટુન બીજા ક્રમે અને ડુંગરા પોલીસ સ્ટેશન પ્લાટુન ત્રીજા ક્રમે વિજેતા થઈ હતી. સરકારની પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાની માહિતી લોકો સુધી પહોંચે તે માટે ૯ આકર્ષક ટેબલો વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયા હતા. જેમાં આઈસીડીએસ વિભાગનો ટેબલો પ્રથમ ક્રમે, ખેતીવાડી શાખાનો ટેબલો બીજા ક્રમે અને આરોગ્ય ખાતાનો ટેબલો ત્રીજા ક્રમે વિજેતા થયો હતો.

જિલ્લાની કુલ ૭ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરાઈ હતી જેમાં વલસાડની સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલ પ્રથમ ક્રમે, ધરમપુરના પીંડવળની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા બીજા ક્રમે અને ઉમરગામના સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલ ત્રીજા ક્રમે વિજેતા થઈ હતી. મહૂસલ વિભાગ, પોલીસ, વન વિભાગ, આરોગ્ય વિભાગ અને આંગણવાડી કર્મી સહિત તેજસ્વી વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, વિશેષ વ્યક્તિ મળી કુલ ૨૯ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. શૌર્ય પર્વને ઉજવવા તિરંગા બલૂન મહાનુભાવોને હસ્તે ઉડાડવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસના કામો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક કલેકટરશ્રીને અર્પણ કરાયો હતો. મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું.

આ ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડ, ધરમપુર અને કપરાડાના સર્વ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર એમ.ડી.ચુડાસમા, પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી રાષ્ટ્રગાન કર્યું હતું.
