ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલયના ફ્લેગશિપ પ્રોગ્રામ અંતર્ગત ‘માય ભારત’ (MY Bharat) વલસાડ દ્વારા વાપીની કે.બી.એસ. કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ ૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
યુવા સંસદીયોને સંબોધતા નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ એ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ના સ્વપ્નને સાકાર કરવામાં યુવાનોની ભૂમિકા સૌથી મહત્વની છે. માય ભારત વલસાડ દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થકી યુવાનોમાં લોકશાહીના મૂલ્યો અને નેતૃત્વના ગુણો વિકસાવવા માટે કરવામાં આવેલા પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે. તેમણે સહભાગી યુવાનોને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય ફાળો આપવા અને વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવા પ્રેરિત કર્યા હતા.
આ યુથ પાર્લામેન્ટમાં વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા યુવાનોએ રાષ્ટ્રીય મહત્વના વિષયો પર ગહન ચર્ચા કરી હતી. સ્પર્ધાના અંતે નિર્ણાયકો દ્વારા વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. આ જિલ્લા કક્ષાના વિજેતાઓ હવે આગામી સમયમાં યોજાનારી રાજ્ય કક્ષાની યુથ પાર્લામેન્ટમાં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
આ પ્રસંગે ભારત સરકારના માય ભારત વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી સચિન શર્માએ યોજનાની રૂપરેખા આપી હતી. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) ના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલે ઔદ્યોગિક વિકાસમાં યુવા શક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો. વાપી શહેર સંગઠનના પ્રમુખશ્રી મનીષભાઈ દેસાઈએ યુવાનોને સંગઠિત થઈ દેશસેવામાં જોડાવા આહવાન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન માય ભારતના સ્વયંસેવક ગણપતસિંહ રાઠોડ અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ.ખુશ્બુ દેસાઈ અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ગણપત સિંહ રાઠોડે અગાઉ ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ ૨૦૨૬’ માં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ વધાર્યું છે. આ કાર્યક્રમમાં હરિયા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી એ. કે. શાહ અને કે.બી.એસ. કોલેજના પ્રિન્સિપાલ પૂનમબેન ચૌહાણ સહિત અન્ય મહાનુભાવો, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
