ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૯ થી વલસાડની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી GMERS જનરલ હોસ્પિટલના બ્લોક નં. ૨ માં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર (One Stop Centre – OSC)ને ૭ વર્ષ પૂર્ણ થયા છે. આ સાત વર્ષ દરમિયાન કુલ ૧૪૩૭ મહિલાઓને વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવ્યો છે.
ભારત સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોમાં હિંસાથી અસરગ્રસ્ત મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિક આશ્રય તથા સંકલિત સેવાઓ પૂરી પાડવા માટે ઓગસ્ટ ૨૦૧૬ થી વન સ્ટોપ સેન્ટર (One Stop Centre – OSC) સખી યોજના શરૂ કરવામાં આવી છે. હાલમાં રાજ્યના ૩૩ જિલ્લા ખાતે ૩૫ વન સ્ટોપ સેન્ટર વર્ષ ૨૦૧૭ થી કાર્યરત છે.
આ યોજનાનો હેતુ હિંસાથી પીડિત કોઈપણ કિશોરી/ મહિલાને એક જ સ્થળેથી તેને જરૂરી હોય તેવી તમામ સુવિધા પૂરી પાડવાનો છે. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા હિંસાથી અસરગ્રસ્ત કોઈપણ કિશોરી/મહિલાઓને તાત્કાલિક તબીબી સારવાર, આશ્રય, કાયદાકીય સલાહ/માર્ગદશન, પોલીસ સહાય તથા પ્રિ અને પોસ્ટ મેરેજ કાઉન્સેલીંગ જેવી સેવાઓ તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે છે. આ કેન્દ્રમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સ્થળે વિવિધ પ્રકારની સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આ કેન્દ્ર ખાસ કરીને ઘરેલું હિંસા, જાતીય શોષણ, માનસિક ત્રાસ, દહેજ હેરાનગતિ, માનવ તસ્કરી સહિતના કેસોમાં પીડિત મહિલાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. મહિલાઓ ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર ફોન કરીને અથવા સીધા વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરીને સહાય મેળવી શકે છે.
આજદિન સુધીમાં સેન્ટર પર આવેલા કેસોની વિગત જોઈએ તો, ઘરેલું હિંસાથી પીડિત ૬૯૨ મહિલાઓ, જાતીય સતામણીના ૪૫ કેસ અને અન્ય ૭૦૦ કેસ આવ્યા છે. જેમાં તબીબી સહાય, મિલકત સંબંધિત વિવાદ, પ્રેમ પ્રકરણ, પોલીસ અથવા બાળ સુરક્ષા એકમ દ્વારા ફક્ત આશ્રય માટે મોકલાયેલા કેસ, હતાશા અને ચિંતાના કેસ, તેમજ માનસિક રીતે અસ્વસ્થ બહેનોને આશ્રય અને તબીબી સહાય, પ્રિ મેરેજ તથા પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ જેવા વિવિધ પ્રકારના કેસોનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ યોજના મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને ન્યાય તરફનું મહત્વપૂર્ણ પગલું છે. સમાજના દરેક વર્ગે આવી સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવી અતિઆવશ્યક છે, જેથી જરૂરિયાતમંદ મહિલાઓને સમયસર સહારો મળી શકે.
વિવિધ સેવાઓનો લાભ મેળવનાર બહેનોની વિગત
આશ્રય સેવાનો કુલ ૪૨૪ બહેનોએ લાભ લીધો છે, જેમાં ૩૧૨ બહેનોનું પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવવામાં આવ્યું છે. નારી સંરક્ષણ કેન્દ્ર ખૂંધ (ચીખલી) ખાતે ૨૦ કેસ રીફર કર્યા હતા. બાળ સુરક્ષા એકમ સાથે સંકલન કરી ૨૪ બાળકીનું પરિવાર સાથે પુનઃસ્થાપન કર્યુ છે. પોલીસ વિભાગને ૨૧ કેસ અને અન્ય સંસ્થાઓમાં ૩૮ કેસ રીફર કરવામાં આવ્યા છે. સ્વેચ્છાએ ૯ કેસ આવ્યા હતા. અન્ય સેવાઓની વિગત જોઈએ તો, તબીબી સેવાનો ૨૬૪ બહેનો, પોલીસ સેવાનો ૩૬ બહેનો અને કાયદાકીય સેવાનો ૪૭ બહેનોએ લાભ લીધો હતો.
