અતિભારે વરસાદ વચ્ચે વલસાડ જિલ્લામાં દિવસ-રાત ચાલુ રહ્યું રાહત અને બચાવ અભિયાન: જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના આખી રાત દરમિયાન સ્થિતિ પર સતત વોચ રાખી માર્ગદર્શન આપતા રહ્યા

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા લોકો પાણીમાં ફસાયા હતા. બચાવ માટેના ફોન દિવસ-રાત વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી ખાતે સતત મળી રહ્યા હતા. સમગ્ર રાત્રિ દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી નીતિન સાંગવાન પણ સમયાંતરે પરિસ્થિતિની સમીક્ષા કરી ટીમને જરૂરી માર્ગદર્શન આપતા રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ વિવિધ સ્થળોએ તાત્કાલિક પહોંચી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી.

વલસાડ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ઉમરગામ તાલુકાના બોરલાઈ, સંજાણ, દેહરી, પુનાટ, ખતલવાડા, એકલારા, વલવાડા, સરીગામ, નગવાસ, ટીભી, ભીલાડ અને વંકાછ ગામોમાં કુલ ૧૭૮ લોકો ફસાયા હતા. નાનાપોંઢા તાલુકામાં કોપરલી ખાતે ૩૫ મુસાફરો સાથેની બસ પાણીમાં ફસાઈ હતી. ઉપરાંત પંડોર, અંભેટી, કરમખલ, દેગામ અને મોટાપોંઢા સહિતના વિસ્તારોમાં અંદાજે ૪૦૦ લોકો પાણીમાં ઘેરાઈ ગયા હતા. વાપી તાલુકાના છરવાડામાં ૭ લોકો, ધરમપુર તાલુકાના કુરગામ, બામટી, મરઘમાળ, નાની વહિયાળ અને નાની ઢોલડુંગરી ગામોમાં ૧૬૩ લોકો, વલસાડ શહેરના સિપાઈવાડ, તરીયાવાડના યાદવનગર અને મોગરાવાડી વિસ્તારમાં ૪૩ લોકો, જ્યારે વલસાડ ગ્રામ્યના જુજવા, નવેરા, ભાગડાખુર્દ, સારંગપુર, હરિયા, વેલવાચ અને ડુંગરી ગામોમાં ૨૭૬ લોકો ફસાયા હતા. પારડી તાલુકાના અંબાચ ગામમાં ૨૨૦ લોકો તથા આમળી અને સોંઢલવાડા સહિતના વિસ્તારોમાં મળીને કુલ ૨૨૬ લોકો પાણીમાં ફસાયા હતા. આ તમામ વિસ્તારોમાં એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનોએ સંકલિત કામગીરી હાથ ધરી હતી. બચાવ કામગીરી દરમિયાન ૫૦૦થી વધુ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી સલામત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા અનેક લોકોએ સમયસર પહોંચીને પોતાનો જીવ બચાવવા બદલ એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ, પોલીસ તેમજ જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર જિલ્લામાં વરસાદી આપત્તિ વચ્ચે તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખી જરૂરી સ્થળોએ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!