ભારતની સૌથી મોટી ડિજિટલ વિજ્ઞાન પ્રતિભા શોધ પરીક્ષા ‘વિદ્યાર્થી વિજ્ઞાન મંથન (VVM) 2026–27’ માટે નોંધણી શરૂ: ધોરણ 6 થી 11ના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સ્તરે પોતાની વૈજ્ઞાનિક પ્રતિભા સાબિત કરવાની સુવર્ણ તક

ગુજરાત એલર્ટ | વલસાડ
ભારતના વૈજ્ઞાનિક વારસાનું ગૌરવ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા, વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા તેમજ ભાવિ વૈજ્ઞાનિકોને ઓળખી તેમને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા માટે દેશની સૌથી મોટી ડિજિટલ વિજ્ઞાન પ્રતિભા શોધ પરીક્ષા “વિદ્યાર્થી વિજ્ઞાન મંથન (Vidyarthi Vigyan Manthan – VVM) 2026–27” માટે ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે.
વિદ્યાર્થી વિજ્ઞાન મંથન (VVM)નું આયોજન વિજ્ઞાન ભારતી (VIBHA) દ્વારા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT), શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર તથા નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM), સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર ના સંયુક્ત સહયોગથી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં શાળાકીય વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાના હેતુથી શરૂ કરાયેલો આ રાષ્ટ્રીય કાર્યક્રમ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા વ્યક્ત કરાયેલા “Ignited Minds” ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ધોરણ 6 થી 11 ના વિદ્યાર્થીઓમાંથી વૈજ્ઞાનિક અભિરુચિ, સર્જનાત્મકતા અને સંશોધનક્ષમ વિચારશક્તિ ધરાવતા “પ્રજ્વલિત મનોમંથન (Ignited Minds)” ને ઓળખી તેમની પ્રતિભાનું સંવર્ધન કરવાનો છે.
ગુજરાત રાજ્યના VVM રાજ્ય સંયોજક શ્રી મનસુખ નારિયા અને વલસાડ જિલ્લાના VVM જિલ્લા સંયોજક તથા જિલ્લા વિજ્ઞાન અધિકારી, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના શ્રી પ્રજ્ઞેશ ડી. રાઠોડ ના જણાવ્યા મુજબ, VVM માત્ર એક સ્પર્ધાત્મક પરીક્ષા નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક ચિંતન, તાર્કિક વિચારસરણી, પ્રયોગાત્મક અભ્યાસ, ભારતીય વૈજ્ઞાનિક વારસા પ્રત્યે ગૌરવ અને સંશોધન પ્રત્યે રસ વિકસાવતું એક અનોખું રાષ્ટ્રીય અભિયાન છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના ઉદ્દેશ્યોને અનુરૂપ આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને નવીનતા વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, CBSE, ICSE, GSEB સહિત કોઈપણ બોર્ડ તથા કોઈપણ માધ્યમમાં ધોરણ 6 થી 11માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ શકે છે. નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 30 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલુ રહેશે. નોંધણી ફી રૂ. 200/- રાખવામાં આવી છે અને વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે અથવા પોતાની શાળા મારફતે www.vvm.org.in વેબસાઇટ પર ઓનલાઈન નોંધણી કરી શકે છે.

તા. 16 થી 21 નવેમ્બર દરમિયાન પરીક્ષા લેવાશે, 90 મીનીટમાં 100 પ્રશ્નો પૂછાશે
VVM-2026 ની ઓનલાઈન પરીક્ષા 16 થી 21 નવેમ્બર, 2026 દરમિયાન યોજાશે. પરીક્ષાનો સમય 90 મિનિટ રહેશે અને તેમાં કુલ 100 બહુવિકલ્પીય પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રશ્નપત્ર બે વિભાગોમાં વહેંચાયેલ હશે. પ્રથમ વિભાગમાં ભારતનું વિજ્ઞાન ક્ષેત્રે યોગદાન તથા ત્રિશક્તિ વૈજ્ઞાનિકો – અન્ના મણી, અસીમા ચેટર્જી અને રોહિણી ગોડબોલે ના જીવન અને કાર્ય પર આધારિત પ્રશ્નો હશે, જ્યારે બીજા વિભાગમાં NCERT તથા વિવિધ રાજ્યના અભ્યાસક્રમ આધારિત વિજ્ઞાન અને ગણિત સાથે Logic & Reasoning ના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે. પરીક્ષા ગુજરાતી સહિત ભારતની વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે અને તેનું પરિણામ 30 નવેમ્બર, 2026 ના રોજ જાહેર કરવામાં આવશે.

આ પરીક્ષાની વિશેષતા શું છે? વિદ્યાર્થીઓને શું ફાયદો થશે?
VVMની વિશેષતા એ છે કે, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર લેખિત પરીક્ષા સુધી મર્યાદિત રાખતું નથી. રાજ્ય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને State Level Camp (SLC) માં અને ત્યારબાદ પસંદ થયેલા વિદ્યાર્થીઓને National Camp (NC) માં ભાગ લેવાની તક મળે છે. અહીં તેમની વૈજ્ઞાનિક સમજ, પ્રયોગાત્મક કૌશલ્ય, અવલોકન શક્તિ, નવીનતા, સમસ્યા નિરાકરણ ક્ષમતા તથા નેતૃત્વ ગુણોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ ઉપરાંત VVMના વિજેતા વિદ્યાર્થીઓને ISRO, DRDO, CSIR, BARC, IITs, IISERs અને NITs જેવી દેશની અગ્રણી વૈજ્ઞાનિક અને સંશોધન સંસ્થાઓમાં “SRIJAN” તાલીમ-સહ-ઇન્ટર્નશિપ (1 થી 3 અઠવાડિયા) કરવાની અનોખી તક મળશે. રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને દર મહિને રૂ. 2000/- ની “ભાસ્કર સ્કોલરશિપ” પણ એક વર્ષ માટે આપવામાં આવશે. સાથે જ અગ્રણી વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન, હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓ, વ્યક્તિત્વ વિકાસ, ભારતીય જ્ઞાન પરંપરાનો પરિચય અને દેશભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક આદાન-પ્રદાન જેવી અનેક વિશિષ્ટ તકો ઉપલબ્ધ થશે.

જિલ્લાની તમામ શાળાને આ પરીક્ષામાં જોડાવા આહવાન કરાયું
રાજ્ય સંયોજક શ્રી મનસુખ નારિયા અને જિલ્લા સંયોજક શ્રી પ્રજ્ઞેશ ડી. રાઠોડ એ ગુજરાત રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, શાળા સંચાલકો, આચાર્યો, વિજ્ઞાન અને ગણિતના શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓને આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રતિભા શોધ કાર્યક્રમમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થી વિજ્ઞાન મંથન માત્ર પરીક્ષા નથી, પરંતુ ભારતના ભાવિ વૈજ્ઞાનિકો, સંશોધકો અને નવપ્રવર્તકોને ઘડવાનું એક સશક્ત રાષ્ટ્રીય મંચ છે. વિદ્યાર્થીઓ તથા શાળાઓ વધુ માહિતી, અભ્યાસક્રમ, અભ્યાસસામગ્રી અને ઓનલાઈન નોંધણી માટે www.vvm.org.in ની મુલાકાત લઈ શકે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!