ગુજરાત એલર્ટ | વલસાડ
“રાજ્ય સરકાર દ્વારા અત્યારે જે પણ ભવન બનાવવામાં આવી રહ્યા છે તે ખૂબ જ સુવિધાસભર બનાવવામાં આવી રહ્યા છે પણ આ સુવિધા આપણા માટે નથી, પણ લોકો માટે આ સુવિધાયુક્ત ભવન બનાવ્યા છે.” એમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વલસાડ જિલ્લા પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.

રૂ.૩૭.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત છ માળના વલસાડ જિલ્લા પંચાયતના આધુનિક અને સુવિધા સભર ભવનના લોકાર્પણ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સંબોધી મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, દરેક માટે એક જ કાર્ય મંત્ર છે, નાગરિક દેવો ભવ:. અહીં ભવનમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસની સાથે સૌનો વિશ્વાસ પણ મહત્વનો છે. આપણા પર સામાન્ય નાગરિકોનો વિશ્વાસ ટકી રહે તેવું કામ કરવાનું છે. અહીં આવતા કોઈપણ સામાન્ય નાગરિકનું કામ અટકવું ન જોઈએ, જે પણ મુશ્કેલી લઈને નાગરિક આવ્યો હોય તે દૂર કરી આનંદ સાથે પરત ફરવો જોઈએ એવું મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું. વધુમાં તેમણે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ અને તેમની સમગ્ર ટીમ તેમજ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને નવા ભવન માટે અભિનંદન પાઠવ્યા હતા.

નૂતન વર્ષ પૂર્વે વલસાડ જિલ્લાની જનતાને જિલ્લા પંચાયતના નવા ભવનની ભેટ આપવાના પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, આ જિલ્લા પંચાયત ભવન નાગરિકોની સેવાનું કેન્દ્ર બને તે મહત્વનું છે. આ સેવાની વ્યવસ્થા સામાન્ય નાગરિકો માટે કરાઈ છે. જેનો વધુમાં વધુ લાભ લોકોને મળે એવી આશા રાખું છું.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલે આ ભવ્ય ભવનમાં દિવ્યાંગો, બાળકો, સિનિયર સિટીઝન અને અધિકારી- કર્મચારીઓ માટે ઉપલબ્ધ કરાવાયેલી સુવિધાનો ચિતાર મુખ્યમંત્રીશ્રીને આપી વધુમાં જણાવ્યું કે, અહીં એક જ ભવનમાં વિવિધ કચેરી હોવાથી નાગરિકોને સરકારી કામકાજ માટે અલગ-અલગ કચેરીઓમાં જવું પડશે નહિ. વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધશે, વહીવટી કામગીરી વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બનશે. એસટી ડેપો અને રેલવે સ્ટેશન પણ અહીં નજીક હોવાથી લોકો પગપાળા પણ આવી શકી છે. અધિકારી- કર્મચારીઓના માઈન્ડ રિફ્રેશ માટે ઇન્ડોર ગેમ્સનું પણ આયોજન કરાયું છે.

આ પ્રસંગે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલ અને સાંસદ ધવલભાઈ પટેલ તેમજ જિલ્લાના સર્વે ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા પંચાયતના નવા ભવનનું લોકાર્પણ કરી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતની ચેમ્બર અને કોન્ફરન્સ હોલની મુલાકાત લઈ નાગરિકો માટે જરૂરી સુવિધાનું નિરિક્ષણ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ સહિત જિલ્લા પંચાયત સભ્યો, પાલિકા પ્રમુખો અને સંગઠનના હોદેદારો સાથે ફોટો સેશન કરાવ્યું હતું.
આ આધુનિક જિલ્લા પંચાયત ભવનની સૌથી મોટી વિશેષતા એ છે કે, જિલ્લા કક્ષાની વિવિધ પંચાયત કચેરીઓને એક જ સંકુલમાં કાર્યરત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતના નવા ભવનમાં આધુનિક સુવિધાનો સમન્વય
વલસાડ જિલ્લા પંચાયતમાં જાહેર ઉપયોગની સુવિધા અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને બે પેસેન્જર લિફ્ટ, અધિકારીઓ માટે બે લિફ્ટ અને ત્રણ દાદરની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગજનો સહિત તમામ નાગરિકો સરળતાથી અવરજવર કરી શકે તેવી સુલભ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. મુખ્ય રિસેપ્શન એરિયા, મેઈન લોબી વેઇટિંગ એરિયા, VIP એન્ટ્રન્સની સુવિધા અને આધુનિક લિફ્ટ્સ અને કચેરીની સુવિધાઓ, સ્વચ્છતા અને સુલભતાની સુવિધાઓમાં ટોયલેટ બ્લોક, મહિલાઓ માટે અલગ ટોયલેટ, ગ્રીન એરિયા અને દિવ્યાંગજનો સહિત તમામ નાગરિકો માટે સુલભતા અને સરળતાની વ્યવસ્થા, પાર્કિંગ અને વાહન વ્યવસ્થાપનની સુવિધામાં ૫૦ થી વધુ વાહનો માટે ગ્રાઉન્ડ લેવલ પાર્કિંગની સુવિધા, VIP મુલાકાતીઓ માટે અલગ પાર્કિંગ, આંતરિક ટ્રાફિક કંટ્રોલ વ્યવસ્થા, બેઝમેન્ટ અને ટેરેસ ગાર્ડનનો વિકાસ, બગીચા અને લેન્ડસ્કેપ વ્યવસ્થા, સુરક્ષા અને આધુનિક માળખાકીય સુવિધાઓમાં સુરક્ષા કેબિન, ઇલેક્ટ્રિક સબ-સ્ટેશન, ફાયર સેફ્ટી નેટવર્ક અને અન્ય આધુનિક માળખાકીય અને સહાયક સુવિધાઓ.
