ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી તેમના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ અને લોકહિતલક્ષી પહેલ તરીકે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગત તા. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪થી સમગ્ર રાજ્યમાં આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને દૈનિક ધોરણે પૌષ્ટિક નાસ્તો પૂરો પાડી તેમના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે.
વલસાડ જિલ્લામાં આ યોજનાનો અત્યંત અસરકારક અને સુવ્યવસ્થિત અમલ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાની બાલવાટીકાથી લઈ ધો. ૧ થી ૮ ની ૯૫૯ શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે ૧૧૧૩૩૯ વિદ્યાર્થીઓ આ યોજનાનો નિયમિત લાભ લઈ રહ્યા છે. જેમાં બાલવાટીકાના ૧૧૮૬૧, ધો. ૧ થી ૫ માં ૫૯૪૯૭ અને ધો. ૬ થી ૮ માં ૩૯૯૮૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અલ્પાહારનું વિતરણ સમયસર અને ગુણવત્તાયુક્ત થાય તે માટે શિક્ષણ વિભાગ, શાળા સંચાલન સમિતિઓ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મધ્યાહ્ન ભોજન યોજનાના પૂરક તરીકે અમલમાં આવેલી આ પહેલ શિક્ષણ અને પોષણના ઉત્તમ સમન્વયનું ઉદાહરણ પૂરું પાડે છે.
વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવાએ જણાવ્યું કે, આ યોજના અંતર્ગત બાળકોને દરરોજ મેનુ મુજબ વૈવિધ્યસભર અને તાજો નાસ્તો પીરસવામાં આવે છે. જેમાં મુખ્યત્વે પ્રોટીનથી ભરપૂર ચણા, મિક્સ કઠોળ, ચણા ચાટ જેવા પૌષ્ટિક આહારનો સમાવેશ થાય છે. વિશેષ કરીને, બાળકોમાં પારંપરિક અને ઊર્જાસભર ‘સીંગદાણાવાળી સુખડી’ અત્યંત લોકપ્રિય બની છે. આ ગુણવત્તાયુક્ત આહાર બાળકોને જરૂરી કેલરી અને વિટામિન્સ પૂરા પાડી તેમના સ્વાસ્થ્યને સુદ્રઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.
શાળાઓમાં સવારના સમયે પૌષ્ટિક નાસ્તો મળવાથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક કાર્યક્ષમતામાં વધારો જોવા મળ્યો છે. પૌષ્ટિક આહારને કારણે બાળકોમાં એકાગ્રતા વધી છે અને તેઓ વધુ ઉત્સાહપૂર્વક શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે. આ યોજનાના પરિણામે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીના પ્રમાણમાં વધારો થયો છે અને ભણતર પ્રત્યેની રુચિ પણ વધી છે, જે અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોના શ્રમિક તથા મધ્યમ વર્ગના પરિવારોના બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
સુશાસન દિવસની ઉજવણી અન્વયે રાજ્ય સરકારની આ યોજના સુશાસન, સંવેદનશીલતા અને સર્વાંગી વિકાસના મૂળ સિદ્ધાંતોને સાકાર કરતી પહેલ તરીકે ઉભરી આવી છે. શાળા શિક્ષણમાં ગુણવત્તા સુધારણા, માળખાગત સુવિધાઓનો વિકાસ અને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવાની સાથે ‘કુપોષણ મુક્ત ગુજરાત’ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આ એક મક્કમ પગલું છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણના સમન્વયથી રાજ્યના બાળકોને સ્વસ્થ બાળપણ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જવાની દિશામાં ગુજરાત સરકારનો આ પ્રયાસ એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થઈ રહ્યો છે.
