વલસાડમાં યોજાયેલી બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં અનેક યુવાનોએ ભાગ લીધો

ગુજરાત એલર્ટ | વલસાડ
ફિટનેસ જગતમાં પોતાની અનન્ય ઓળખ ઉભી કરનાર, જિલ્લામાં શ્રેષ્ઠ જીમ ટીમ આપનાર અને વલસાડમાં સતત ત્રણ વખત હેટ્રિક સિદ્ધિ મેળવનાર કોચ તથા ફિટનેસ લેક્ચરર તરીકે ઓળખાતા વિશાલ પાંડેના માર્ગદર્શન હેઠળ રવિવારે સાંજે વલસાડના ઝુલેલાલ મંદિર ખાતે ભવ્ય બોડી બિલ્ડીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિહાન વર્ગો દ્વારા આયોજિત સિનિયર, જુનિયર, લેડીઝ, માસ્ટર બોડી બિલ્ડીંગ 2026 યોજના અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં વાપી, સિલ્વાસા, ઉમરગામ, દમણ તથા ધરમપુર સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બોડી બિલ્ડરો ઉમટી પડ્યા હતા. સ્પર્ધકોએ ક્લાસિક, મસ્ક્યુલર અને એસ્થેટિક પોઝ દ્વારા પોતાની દેહયષ્ટિ, શિસ્તબદ્ધ તાલીમ અને કઠોર પરિશ્રમનું દમદાર પ્રદર્શન કરી ઉપસ્થિત જનસમુદાયને મંત્રમુગ્ધ કરી દીધો હતો.

આ સ્પર્ધાની ખાસિયત એ રહી કે સૌથી નાની સ્પર્ધક તરીકે માત્ર 9 વર્ષની ધરવી પટેલે આત્મવિશ્વાસભર્યા પોઝથી સૌનું ધ્યાન ખેંચ્યું, જ્યારે સૌથી વરિષ્ઠ સ્પર્ધક તરીકે 49 વર્ષના અશ્વિનભાઈ રાઠોડે ફિટનેસની કોઈ વયસીમા નથી એ સાબિત કરી દર્શકોને પ્રેરણા આપી. બંનેએ પોતાની આગવી અદાએ સ્પર્ધાને યાદગાર બનાવી દીધી. કાર્યક્રમમાં હાજર સિનિયર બોડી બિલ્ડરોએ ગેસ્ટ પોઝિંગ કરીને યુવા ખેલાડીઓને માર્ગદર્શન અને ઉત્સાહ આપ્યો હતો.

ખાસ કરીને ફિટનેસ પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી આયોજકો દ્વારા વાપીના એક પ્રતિભાશાળી યુવાનને ₹21,000ની રોકડ પ્રોત્સાહન રકમ પણ અર્પણ કરવામાં આવી હતી. વિશાલ પાંડેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ફિટનેસ માત્ર સ્પર્ધા પૂરતું નથી, પરંતુ સ્વસ્થ સમાજ માટેની ચળવળ છે. વલસાડ સહિત સમગ્ર વિસ્તારમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય આગળ પણ અવિરત ચાલુ રહેશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!